મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારત-માલદિવ વિવાદઃ સંરક્ષણ મંત્રીના સિક્રેટ ઓપરેશનના દાવાનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ

ભારતે મંગળવારે માલદીવના સંરક્ષણમંત્રી ઘાસન મૌમૂનના દાવાને ફગાવી દીધો હતો. તેમણે દાવ

ભારત-માલદિવ વિવાદઃ સંરક્ષણ મંત્રીના સિક્રેટ ઓપરેશનના દાવાનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ

ભારતે મંગળવારે માલદીવના સંરક્ષણમંત્રી ઘાસન મૌમૂનના દાવાને ફગાવી દીધો હતો. તેમણે દાવો કર્યો હતો કે, માલદીવમાં તૈનાત ભારતીય સૈન્ય હેલિકોપ્ટર પાઇલટ્સે 2019 માં અનધિકૃત ઓપરેશનને અંજામ આપ્યો હતો. માલદીવમાં ભારતના હાઈ કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય ઉડ્ડયન કંપનીઓએ હંમેશા સ્થાનિક નિયમો અને પ્રક્રિયાઓના દાયરામાં રહીને કામ કર્યું છે. 11 મેના રોજ માલેમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા માલદીવના રક્ષા મંત્રી ઘાસન મૌમુને કહ્યું હતું કે 2019માં ભારતીય સૈન્યના જવાનોએ થિમારાફુશીમાં એક ગુપ્ત હેલિકોપ્ટર લેન્ડ કર્યું હતું.

મૌમુને કહ્યું હતું કે તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સેવા મામલે સંસદીય સમિતિનો રિપોર્ટ જોયો છે, જેમાં આ વાત સામે આવી છે. માલદીવમાં ભારતીય હાઈ કમિશને એક નિવેદન જારી કરીને ઘાસન મૌમૂનના દાવાને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે ભારતીય સૈન્ય કર્મચારીઓએ માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ (MNDF) સાથે સંકલન કરીને તમામ કામગીરી હાથ ધરી હતી. ભારતીય હાઈ કમિશને કહ્યું કે, 9 ઓક્ટોબર, 2019ના રોજ ક્રૂની સુરક્ષાને ધ્યાનમાં રાખીને થિમારાફુશીમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) પાસેથી પરવાનગી લેવામાં આવી હતી.

તમામ ભારતીય સૈનિકો માલદીવથી પરત ફર્યા છે

આ સ્પષ્ટીકરણ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની માંગને પગલે ભારતે માલદીવમાંથી 76 સૈન્ય કર્મચારીઓને પાછા બોલાવી લીધાના કેટલાક દિવસો પછી આવ્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં ચીન તરફી નેતા મુઇઝુ સત્તામાં આવ્યા ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો બગડ્યા છે. મુઈઝુએ તેના દેશમાંથી ભારતીય સૈન્ય સૈનિકો પાછા ખેંચવા માટે 10 મેની સમયમર્યાદા નક્કી કરી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, 11 મેના રોજ, MNDFએ જણાવ્યું હતું કે, જે ભારતીય સૈન્ય કર્મી ભારત સરકાર દ્વારા માલદીવને ભેટમાં આપેલા હેલિકોપ્ટરનું સંચાલન કરી રહ્યા છે, તેમને પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહના કાર્યકાળ દરમિયાન માલદીવની સૈન્યને જાણ કર્યા વિના હેલિકોપ્ટરની ઉડાન ભરી હતી.

આ જ પ્રેસ કોન્ફરન્સમાં રક્ષા મંત્રીએ સ્વીકાર્યું હતું કે માલદીવની સેના પાસે હજુ પણ ભારત તરફથી ભેટમાં મળેલા ત્રણ એરક્રાફ્ટને ચલાવવા માટે સક્ષમ પાઈલટ નથી. તમને જણાવી દઈએ કે ભારતે માલદીવને બે હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટ ગિફ્ટ કર્યું છે. આ વિમાનોના સંચાલન માટે 76 ભારતીય સૈન્ય કર્મચારીઓની ટીમ માલદીવમાં તૈનાત કરવામાં આવી હતી. હેલિકોપ્ટર અને ડોર્નિયર એરક્રાફ્ટ બંનેનો ઉપયોગ મુખ્યત્વે તબીબી કટોકટીમાં દર્દીઓને એરલિફ્ટ કરવા માટે થાય છે. ગત ફેબ્રુઆરીમાં નવી દિલ્હીમાં બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી બાદ 10 મેની સમયમર્યાદા પ્રમાણે ભારતીય સૈન્યની છેલ્લી બેચ માલદીવથી પરત આવી ગઈ હતી. 

આ સમાચાર શેર કરો