રિસાયેલી પત્નીને પિયરથી પાછી બોલાવવા પતિએ કર્યો કાંડ, તપાસ કરનારી પોલીસ પણ ચકરાવે ચડી
યુપીના કાનપુરમાં એક વ્યક્તિની પત્ની રિસાઈને તેના માતા-પિતાના ઘરે ચાલી ગઈ હતી. પત્ની સાસરે પ

યુપીના કાનપુરમાં એક વ્યક્તિની પત્ની રિસાઈને તેના માતા-પિતાના ઘરે ચાલી ગઈ હતી. પત્ની સાસરે પરત ફરવાનું નામ લેતી નહોતી. એવામાં આ વ્યક્તિએ એવી કરતબ કરી કે તેની પત્ની સહિત પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. હાલ પોલીસે આરોપી સામે એફઆઈઆર નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. જણાવી દઈએ કે, પતિએ પત્નીને સાસરે પાછી બોલાવવા માટે લૂંટ અને અપહરણની બનાવટી સ્ટોરી ઊભી કરી દીધી હતી. આ માટે તેઓ ગુજરાતથી કાનપુર આવ્યા હતા. નકલી સ્ટોરીમાં વાસ્તવિકતા દેખાડવા માટે તેણે પોતાને ઇજા પહોંચાડી. પછી હાથ-પગ બાંધીને ઝાડીમાં સૂઈ ગયો. પરંતુ જ્યારે પોલીસે આ મામલે રિપોર્ટ નોંધીને તપાસ શરૂ કરી તો સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો.
આરોપી પતિએ કબૂલાત કરી છે કે તેણે પત્નીને ઘરે બોલાવવા માટે આ ડ્રામા કર્યો હતો. તેનું કોઈ અપહરણ થયું નથી કે ન કોઈએ લૂંટી લીધો છે. હાલ પોલીસે નકલી રિપોર્ટ લખાવવાના કેસમાં પતિ સામે કલમ 182 હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં કામ કરતો લલિત કુશવાહ ગત રવિવારે કાનપુર- ભદેવન પોતાના ગામે આવ્યો હતો. અહીં આવીને પરિવારના સભ્યોને જાણ કરી કે જ્યારે તે ઘરે જઈ રહ્યો હતો ત્યારે કારમાં આવેલા કેટલાક લોકોએ તેનું અપહરણ કર્યું અને તેને ખૂબ મારીને પૈસા વગેરે લૂંટી લીધું. એ પછી મારા હાથપગ બાંધીને ઝાડીમાં ફેંકી દીધો હતો.
લલિત કુશવાહાએ આ જ વાત તેના પરિવારના સભ્યોને કહી હતી, એ પણ તેની વાતમાં ભોળવાઈ ગયા. પરિવારજનોએ જણાવ્યું કે, શોધખોળ કરવા દરમિયાન લલિત સાધ પોલીસ સ્ટેશન વિસ્તારના રાયપુર ગામ પાસે બેભાન અવસ્થામાં પડેલો મળ્યો. તેનાથી થોડે દૂર તેની બેગ અને ખાલી પર્સ પડેલું હતું. ઈજાગ્રસ્ત હાલતમાં લલિતને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેની હાલત ગંભીર ગણાવતા તેને કાનપુરની હેલેટ હોસ્પિટલમાં રિફર કરી દીધો.
માહિતી મળતા જ લલિતની પત્ની પણ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. તેને લાગ્યું કે ખરેખર તેના પતિ સાથે કંઈક થયું છે. જોકે, પોલીસે સીસીટીવી વગેરેની બારીકાઈથી તપાસ કરતાં લૂંટ અને અપહરણની વાતનો પરપોટો ફૂટી ગયો. કાનપુર પોલીસે સીસીટીવી ફૂટેજ અને સીડીઆરના આધારે લલિતની પૂછપરછ કરી ત્યારે તેણે પોલીસને જણાવ્યું કે, તેની પત્ની ઘરેલુ વિવાદને કારણે તેના પિયર ચાલી ગઈ હતી. તેને પાછી બોલાવવા માટે આવી સ્ટોરી ઊભી કરી હતી.






