ભાજપને 87 ટકા વધુ કમાણી પરંતુ ચૂંટણી બોન્ડમાં ઝટકો, જાણો કોંગ્રેસને કેટલી થઈ કમાણી?
દેશના ટોચના રાજકીય પક્ષોની આવક ગત નાણાકીય વર્ષમાં અનેકગણી વધી છે. સત્તાધારી પક્ષ ભાજપની કમાણી

દેશના ટોચના રાજકીય પક્ષોની આવક ગત નાણાકીય વર્ષમાં અનેકગણી વધી છે. સત્તાધારી પક્ષ ભાજપની કમાણી 83 ટકા તો કોંગ્રેસની કમાણી 170 ટકા વધી છે. ગતવર્ષે લોકસભા ચૂંટણીના પગલે રાજકીય પક્ષોની આવક વધી હોવાનુ અનુમાન છે. જેમાં ભાજપની કમાણીમાં મોટો હિસ્સો ઈલેક્ટોરલ બોન્ડનો રહ્યો છે. ચૂંટણી પંચ સમક્ષ બંને પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા ઓડિટ રિપોર્ટમાંથી આ અંગે માહિતી મેળવવામાં આવી છે.
આ પણ વાંચોઃ CM પદેથી નીતિશકુમારને હટાવવા ભાજપને મળી ગયું બહાનું, નાદુરસ્ત તબિયતનો મુદ્દો આગળ ધરાશે
ભાજપની આવક 4340 કરોડ થઈ
નાણાકીય વર્ષ 2023-24માં ભાજપની કમાણી 83 ટકા વધી રૂ. 4340.5 કરોડ થઈ છે. જે ભાજપની અત્યારસુધીની સૌથી વધુ આવક છે. જેમાં સૌથી વધુ યોગદાન ઈલેક્ટોરલ બોન્ડનો રહ્યો છે. ઈલેક્ટોરલ બોન્ડ મારફત ભાજપે રૂ. 1685.6 કરોડ એકત્રિત કર્યા હતાં. 2022-23માં ભાજપે 2360.8 કરોડની કમાણી કરી હતી. બીજી તરફ ગતવર્ષે લોકસભા સહિત વિવિધ ચૂંટણીઓ પાછળ ભાજપે 2211.7 કરોડનો ખર્ચ કર્યો હતો. જે 2022-23માં જાહેર કરેલા 1361.7 કરોડ ખર્ચ સામે 62 ટકા વધુ છે.
કોંગ્રેસની આવક સૌથી વધુ 170 ટકા વધી
લોકસભા ચૂંટણી તેમજ વિવિધ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પગલે ગત નાણાકીય વર્ષ 2023-24 કોંગ્રેસ માટે પણ કમાણી કરવામાં શુકનવંતુ રહ્યું હતું. કોંગ્રેસની આવક 2022-23માં રૂ. 452.4 કરોડ સામે 2023-24માં 170 ટકા વધી રૂ. 1225 કરોડ થઈ છે. ઈલેક્ટોરલ બોન્ડ મારફત થતી આવક પણ 384 ટકા વધી હતી. 2023-24માં ઈલેક્ટોરલ બોન્ડ મારફત રૂ. 828.4 કરોડની આવક મેળવી હતી. જે અગાઉના વર્ષે રૂ. 171 કરોડ હતી. ઉલ્લેખનીય છે, કોંગ્રેસની આવકમાં વૃદ્ધિની સાથે તેનો ખર્ચ પણ 120 ટકા વધ્યો હતો. કોંગ્રેસે 2023-24માં રૂ. 1025.2 કરોડનો ખર્ચ કર્યો હતો. જ્યારે 2022-23માં રૂ. 467.1 કરોડ ખર્ચ્યા હતાં.
ભાજપનું બેન્ક બેલેન્સ
ઓડિટ રિપોર્ટમાં 2023-24 દરમિયાન ભાજપે જાહેરાતો અને પ્રચાર પાછળ રૂ. 1195 કરોડ, યાત્રા પાછળ રૂ. 196.8 કરોડ, ઉમેદવારોને નાણાકીય સહાય પેટે રૂ. 191 કરોડ ખર્ચ કર્યા છે. બેલેન્સશીટ મુજબ 31 માર્ચ, 2024 સુધી ભાજપ પાસે રૂ. 109.2 કરોડ રોકડા, રૂ. 1627.2 કરોડનું બેન્ક બેલેન્સ, અને રૂ. 5377.3 કરોડની બેન્ક એફડી જમા છે.
કોંગ્રેસનું બેન્ક બેલેન્સ
કોંગ્રેસે 2023-24 દરમિયાન ચૂંટણી પૂર્વે હાથ ધરેલા સર્વે પાછળ રૂ. 4.9 કરોડ ખર્ચ કર્યા હતા. 14 જાન્યુઆરીથી 16 માર્ચ, 2024 દરમિયાન રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા પાછળ રૂ. 49.6 કરોડ ખર્ચ કર્યા હતા. આમ કોંગ્રેસે 2023-24માં કુલ 1025.2 કરોડનો ખર્ચ કર્યો હતો.







