ભાજપ 303 થી 240 પર કેવી રીતે પહોંચ્યું, આટલી બધી સીટો ઘટવાનું નીતિન ગડકરીએ જણાવ્યું કારણ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટીની બેઠકો ઘટ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટીની બેઠકો ઘટવાનું કારણ આપ્યું છે. તેમણે વિરોધ પક્ષો પર આ અંગે મતદારોને ભ્રમિત કરવાનો આરોપ લગાવ્યો. હાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન તેમણે ખેડૂતો અને પછાત વર્ગનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. જૂનમાં યોજાયેલી ચૂંટણીમાં, ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી હતી અને 240 બેઠકો જીતી શકી હતી. જ્યારે 2019માં પાર્ટીને 303 સીટો મળી હતી.
એક કાર્યક્રમમાં ગડકરીને પૂછવામાં આવ્યું કે, 'ભારતીય જનતા પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં સીટોની સંખ્યાના મામલે શા માટે આંચકો લાગ્યો?' આના પર તેમણે જવાબ આપ્યો, 'આ ચૂંટણી લોકોને સમજાવવા કે મૂંઝવણમાં મૂકવાની હતી. શરૂઆતમાં વિપક્ષે મતદારોને ભ્રમિત કરવા માટે કાનાફૂસી અભિયાન ચલાવ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ ડો.ભીમરાવ આંબેડકરના બંધારણની વિરુદ્ધ છે અને બંધારણ બદલશે.
ગડકરીએ કહ્યું, 'તેમના નેતાઓએ ખાસ કરીને પછાત વર્ગોમાં ડર પેદા કર્યો કે તેઓ જે લાભ મેળવી રહ્યા હતા તે હવે ચાલુ રહેશે નહીં. બીજું, ખેડૂતોને ફાયદો થાય તે માટે અમારા દ્વારા લેવાયેલા પગલાં તેમની વિરુદ્ધ હોવાનું કહેવાયું હતું.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, 'મને લાગે છે કે લોકસભા ચૂંટણી ભારતની જીત હતી. ભાજપ સરકારમાં પરત ફર્યું અને મને 100 ટકા વિશ્વાસ છે કે આગામી ચાર રાજ્યોની ચૂંટણીમાં અમને સારી બહુમતી મળશે. લોકોએ ફરીથી ભાજપમાં વિશ્વાસ દર્શાવ્યો છે કે તે સક્ષમ છે, તેનો રેકોર્ડ સારો છે અને તે આ દેશનું ભવિષ્ય બદલી શકે છે. તમે કોંગ્રેસના 60 વર્ષના અને ભાજપના 15 વર્ષના પ્રદર્શનની સરખામણી કરી શકો છો. તમને જવાબ મળી જશે.
વડાપ્રધાન પદને લઈને મોટો દાવો કર્યો
ગડકરીએ શનિવારે કહ્યું હતું કે એકવાર એક નેતાએ તેમને કહ્યું હતું કે, 'જો તેઓ વડાપ્રધાન પદની રેસમાં સામેલ થાય તો તમને સમર્થન આપીશું. ' પરંતુ તેમણે આ ઓફર ઠુકરાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમની એવી કોઈ ઈચ્છા નથી.
ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું, 'પરંતુ, મેં પૂછ્યું કે તમે શા માટે મને સમર્થન આપો અને હું તમારો ટેકો કેમ લઉં? વડા પ્રધાન બનવું એ મારા જીવનનું લક્ષ્ય નથી. હું મારી માન્યતાઓ અને મારા સંગઠન પ્રત્યે વફાદાર છું અને હું કોઈ પણ પદ માટે સમાધાન કરીશ નહીં કારણ કે મારી માન્યતાઓ મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે.' તેમના ભાષણમાં ગડકરીએ પત્રકારત્વ અને રાજકારણ બંનેમાં નૈતિકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.








