જાતીય શોષણના આરોપી આસારામને મળ્યા નિયમિત જામીન, હાઈકોર્ટે આપી મોટી રાહત
જોધપુર હાઈકોર્ટમાંથી આસારામ બાપુ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કોર્ટે તેમની તબીબી કારણ

જોધપુર હાઈકોર્ટમાંથી આસારામ બાપુ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કોર્ટે તેમની તબીબી કારણોસર નિયમિત જામીન અરજી મંજૂર કરી છે. આશારામ બાપુને સ્વાસ્થ્યના કારણોસર આ રાહત આપવામાં આવી છે. આ કેસની સુનાવણી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્માની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે આસારામને સારવાર માટે જામીન આપવાનો નિર્ણય લીધો છે.
જાતીય શોષણના આરોપી આસારામનો કેસ લાંબા સમયથી ચર્ચામાં છે. રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા છ મહિનાના વચગાળાના જામીન મંજૂર થતાં, આસારામને હવે છ મહિના જેલમાં નહીં રહેવું પડે. વરિષ્ઠ વકીલ દેવદત્ત કામત અને વકીલ યશપાલ સિંહ રાજપુરોહિતે કોર્ટ સમક્ષ આસારામ વતી દલીલો કરી હતી. તેમણે દલીલ કરી હતી કે આસારામને સારવાર માટે જેલની બહાર રહેવાની જરૂર છે. એટલે હવે કસ્ટડી વિના જામીન આપવાથી આસારામની સારવારમાં રાહત મળશે. કોર્ટે આસારામને તેમની બીમારી અને છેલ્લા 12 વર્ષથી જેલમાં બંધ હોવાથી આ રાહત આપી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોર્ટનો વિગતવાર આદેશ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આસારામ લાંબા સમયથી બીમાર છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ આપીને નિયમિત જામીન માટે અરજી કરી હતી. હાઈકોર્ટના નિર્ણય બાદ આસારામને મળેલી રાહતથી તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો છે.




