દિલ્હી-નોઈડા બોર્ડર પર મજૂરોનું ભારે ચક્કાજામ, ટ્રાફિક પોલીસે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર

દિલ્હીમાં મજૂર યુનિયન દ્વારા પગાર વધારાની માંગને લઈને કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનના કારણે આજે (સોમવાર) વહેલી સવારથી જ દિલ્હી-નોઈડા બોર્ડર પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. નોઈડાના ફેઝ-2 વિસ્તારમાં હજારો કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવતા વાહનવ્યવહાર ખોરવાયો છે.
ટ્રાફિક ક્યાં ક્યાં પ્રભાવિત થયો?
શહેરમાં અનેક મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે:
નોઈડા ફેઝ-2 અને સેક્ટર-62 મુખ્ય માર્ગો સંપૂર્ણપણે બંધ છે.હોજરી કોમ્પ્લેક્ષની આસપાસ ભારે ભીડ છે.
દાદરી અને સૂરજપુર રોડ: નોઈડાથી ગ્રેટર નોઈડા જતા રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે.
નેશનલ હાઈવે-9:લાલકુઆંથી ઈલેક્ટ્રોનિક સિટી સુધી ભારે જામ છે.
DND ફ્લાયવે અને ચિલ્લા બોર્ડર: દિલ્હી-નોઈડા વચ્ચેની અવરજવર પર મોટી અસર પડી છે.
અક્ષરધામ-નોઈડા રૂટ: અનેક સ્થળોએ વાહનવ્યવહાર થંભી ગયો છે.
ટ્રાફિક પોલીસની એડવાઈઝરી
ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોલીસે વાહનોને ડાયવર્ટ કર્યા છે. નોઈડા ટ્રાફિક પોલીસે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માહિતી આપી છે કે. ચિલ્લા બોર્ડર તરફ જતાં તમામ વાહનોને હવે DND ટોલ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સેક્ટર-62 અને ફેઝ-2 તરફ જવાનું ટાળે.
વધુ માહિતી કે મદદ માટે ટ્રાફિક હેલ્પલાઇન નંબર 9971009001 પર સંપર્ક કરી શકે છે.
તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર
પરિસ્થિતિને જોતા જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) મેધા રૂપમે શ્રમિકોની સમસ્યાઓના ઉકેલ માટે કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે. શ્રમિકો તેમના પગાર કે અન્ય સમસ્યાઓ માટે નીચેના નંબરો પર ફરિયાદ કરી શકે છે:
120-2978231
120-2978232
120-2978862
120-2978702
DM એ ખાતરી આપી છે કે શ્રમિકોની તમામ ફરિયાદોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે. હાલ પોલીસ અને વહીવટી તંત્ર સ્થિતિને થાળે પાડવા માટે સતત પ્રયત્નશીલ છે.

