હરિયાણામાં નેતાજીએ DSP પાસે માફી મંગાવી; MPમાં પોલીસ વડાનો સાંસદ-ધારાસભ્યોને સલામ મારવા આદેશ
હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીના કાર્યક્રમમાં ભાજપના નેતાને સ્ટેજ પર જતા રોક

હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીના કાર્યક્રમમાં ભાજપના નેતાને સ્ટેજ પર જતા રોકવા DSP જિતેંદર રાણાને ભારે પડ્યું છે. હરિયાણાના DSPએ માફી માંગવી પડી છે. બીજી તરફ મધ્ય પ્રદેશમાં પણ DGPએ એક એવો આદેશ જાહેર કર્યો છે જેને કારણે વિવાદ ઉભો થયો છે. મધ્ય પ્રદેશમાં પોલીસ વડાએ પોલીસ કર્મીઓને સાંસદ-ધારાસભ્યોને જોતા જ સલામ મારવાનું કહ્યું છે.
હરિયાણામાં DSPએ માફી માંગી
હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીના કાર્યક્રમમાં ભાજપના નેતાને સ્ટેજ પર જતા રોકવા DSP જિતેંદર રાણાને એટલું ભારે પડી ગયું કે નેતાજીએ માફી મંગાવી હતી. આટલું જ નહીં સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જાહેરમાં પોલીસ અધિકારી પાસે માફી મંગાવવામાં આવતા નેતાજીની ટીકા થઇ રહી છે.
હરિયાણાના સિરસામાં મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીનો એક કાર્યક્રમ હતો. આ દરમિયાન સ્થાનિક ભાજપના નેતા મનીષ સિંગલા પણ હાજર હતા અને તે મુખ્યમંત્રીના સ્ટેજ તરફ આગળ વધતા હતા. આ દરમિયાન ત્યાં ફરજ પર હાજર DSP જિતેંદર રાણાએ તેમને રોક્યા હતા. આટલી નાની વાતથી નેતાજી નારાજ થઇ ગયા અને તેને પોતાનું અપમાન ગણાવ્યું હતું. તે બાદ પોલીસ અધિકારીની જાહેરમાં માફી મંગાવ્યા બાદ જ આ મામલો શાંત થયો હતો.
કોણ છે મનીષ સિંગલા?
મનીષ સિંગલા ઓડિશાના પૂર્વ રાજ્યપાલ ગણેશી લાલના પુત્ર છે. તે સિરસાના મોટા બિઝનેસમેનમાં ગણાય છે. આ સિવાય હરિયાણા ભાજપની રાજ્ય કાર્યકારિણીના પણ તે સભ્ય છે. સોશિય મીડિયા પર વાયરલ વીડિયોમાં DSP જિંતેદર રાણા માફી માંગતો પત્ર વાંચતા જોઇ શકાય છે. તે કહે છે, 'હું સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોના સંદર્ભમાં બતાવવા માંગુ છું. હું મુખ્યમંત્રીની સુરક્ષા પ્રોટોકોલમાં હતો. સિરસામાં કાર્યક્રમ હતો અને મનીષ સિંઘલ જ્યારે સ્ટેજ પર પહોંચ્યા તો મે તેમને અન્ય લોકો સાથે પરત જવા કહ્યું હતું. હું તેમને ઓળખી શક્યો નહતો. મારૂ તેમના માન-સન્માનને ઠેસ પહોંચાડવાનો કોઇ ઇરાદો નહતો. જો મારા આ કાર્યથી મનીષજીને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું. હું પૂર્વ રાજ્યપાલ અને તેમના પુરા પરિવારનું માન સન્માન કરૂ છું.'
સાંસદો, ધારાસભ્યોને સલામ કરો : મધ્યપ્રદેશ DGPનો પોલીસને આદેશ
મધ્યપ્રદેશના DGP કૈલાશ મકવાણાએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને આદેશ આપ્યો હતો કે જાહેર કાર્યક્રમોમાં હાજર સાંસદો અને ધારાસભ્યોને સલામી આપો. આ એક પ્રકારનો શિષ્ટાચાર છે. અત્યાર સુધી પોલીસ અધિકારીઓ કર્મચારીઓ મંત્રીઓને જ સલામી આપતા હતા. એટલું જ નહીં, DGPના આ નવા સર્ક્યુલરમાં કહેવાયું કે તેમનો ફોન આવે તો તુરંત રીસિવ કરો.સાંસદો-ધારાસભ્યો જનપ્રતિનિધિ હોવાથી તેમને પ્રાથમિકતા આપો. આ સર્ક્યુલર પછી વિવાદ પણ ખડો થયો છે. એક તરફ પોલીસ અધિકારીઓમાં જ આનો વિરોધ ઉઠયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઈચ્છતા નથી કે ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા નેતાઓને સલામી આપવામાં આવે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પણ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. બંને પાર્ટીના નેતાઓએ આ નિર્ણયની ટીકા કરતા કહ્યું હતું કે આ યોગ્ય નથી. મંત્રીઓને સેલ્યુટ કરવા સુધી વાત બરાબર છે.







