ઓડીશાના મુખ્યમંત્રી બનવાની રેસમાં ગુજરાતના અધિકારીનું નામ આગળ
ઓડિશાની વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપે 147 બેઠકોમાંથી 78 બેઠકો જીતી બહુમતી મેળવ્યા

ઓડિશાની વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપે 147 બેઠકોમાંથી 78 બેઠકો જીતી બહુમતી મેળવ્યા બાદ હવે મુખ્યમંત્રીની પસંદગી કરવાની કવાયત શરૂ કરી દીધી છે. રાજ્ય અને કેન્દ્રના ભાજપ નેતાઓએ નવા મુખ્યમંત્રીની ચર્ચા દિલ્હીમાં ચર્ચા-વિચારણાઓ શરૂ કરી દીધી છે. જોકે એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે, મુખ્યમંત્રીની રેસમાં ગુજરાત કેડરના આઈએએસ અધિકારીનું નામ સૌથી આગળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાઓ દરમિયાન જાહેરાત કરી હતી કે, ભાજપનો મુખ્યમંત્રી ઓડિશામાં 10મી જૂને શપથગ્રહણ કરશે.
મુખ્યમંત્રીની રેસમાં ગિરીશ મુર્મૂ સૌથી આગળ
નવા મુખ્યમંત્રીના ઉમેદવારની રેસમાં પૂર્વ કેગ અને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મૂ (Girish Chandra Murmu) અને તેમની સાથેના કેટલાક નવા ચૂંટાયેલા ધારાસભ્યોના નામોની ચર્ચાઓ ચાલી રહી છે. મીડિયામાં તેમના નામની વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે.
ગિરીશ મુર્મૂ મોદી-શાહના નજીકના
ગુજરાત કેડરના 1985 બેંચના આઈએસ અધિકારી મુર્મૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નજીકના હોવાનું કહેવાય છે. જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે બે કાર્યકાળ સંભાળ્યો હતો, ત્યારે ગિરીશ મુર્મૂએ સેક્રેટરી જનરલ તરીકે કામ કર્યું હતું. જ્યારે અમિત શાહ (Amit Shah) ગૃહમંત્રી હતા, ત્યારે તેઓ ગૃહ વિભાગના સંયુક્ત સચિવ હતા. ભાજપ આદિવાસીઓનું સમર્થન મેળવવા મુર્મૂને ઓડિશાના મુખ્યમંત્રી બનાવી શકે છે.
આ નેતાઓ પણ મુખ્યમંત્રીની રેસમાં
મુખ્યમંત્રી પદના દાવેદારોમાં અન્ય નેતાઓની વાત કરીએ તો તેમાં સંબલપુરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય જયનારાયણ મિશ્રા, ઓડિશા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પાટનાગઢના નવા ધારાસભ્ય કે.વી.સિંહ દેવ, બ્રજરાજનગરના નવા ધારાસભ્ય સુરેશ પુજારી અને કેંદુઝરથી નવા ધારાસભ્ય મોહમ માઝીનું નામ પણ ચર્ચાય છે. જયનારાયણ મિશ્રાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ઓડિશાનો એક પુત્ર ઓડિશાનો મુખ્યમંત્રી બનશે. જોકે રાજ્યમાં મુખ્યમંત્રીનો તાજ કોને સોંપવો, તેનો નિર્ણય ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં કરાશે અને પાર્ટીનું સંસદીય બોર્ડ મંજૂરી આપશે.






