ASEAN દેશોના પ્રવાસીઓ માટે મોટી ખુશખબર: PM મોદીએ 'ફ્રી ઈ-વીઝા' સહિત કરી અનેક મોટી જાહેરાતો!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલિપાઇન્સની રાજધાની મનિલામાં આયોજિત 23મી ASEAN-ભારત સમિટમાં ભાગ લઈને ભારત અને ASEAN દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે અનેક મહત્વપૂર્ણ પ્રસ્તાવો રજૂ કર્યા છે. જેમાં ASEAN દેશોના પ્રવાસીઓ માટે 'ફ્રી ઈ-વીઝા' (Free e-Visa), દરિયાઈ સહયોગ યોજના, પરમાણુ ઉર્જા અને અંતરિક્ષ ક્ષેત્રે ભાગીદારી જેવી મોટી પહેલોનો સમાવેશ થાય છે.
સમિટને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને ASEAN દેશો વિશ્વની લગભગ એક ચતુર્થાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે અને બંને પક્ષોએ સ્પર્ધાને બદલે સહયોગ દ્વારા પોતાનું ભવિષ્ય ઘડવું જોઈએ. તેમણે ભારતની 'એક્ટ ઈસ્ટ પોલિસી' (Act East Policy) ના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, ASEAN ની એકતા અને કેન્દ્રિયતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા અતૂટ છે. આ ઉપરાંત, તેમણે 'ASEAN કોમ્યુનિટી વિઝન 2045' અને 'વિકસિત ભારત 2047' ને બંને ક્ષેત્રોની સહિયારી આકાંક્ષાઓને સાકાર કરવાનું માધ્યમ ગણાવ્યું હતું.
PM મોદી દ્વારા રજૂ કરાયેલા મુખ્ય પ્રસ્તાવો:
ફ્રી ઈ-વીઝા (Free e-Visa): પર્યટન અને લોકો વચ્ચેના સંપર્કને પ્રોત્સાહન આપવા માટે ASEAN સભ્ય દેશોના પ્રવાસીઓને મફત ઈ-વીઝા આપવાનો પ્રસ્તાવ.
દરિયાઈ સહયોગ યોજના (Maritime Cooperation Plan): કનેક્ટિવિટી, વૈજ્ઞાનિક સંશોધન, આપત્તિ વ્યવસ્થાપન, કોસ્ટ ગાર્ડ સહયોગ અને દરિયાઈ સુરક્ષા પર કેન્દ્રિત લાંબા ગાળાની યોજના.
પરમાણુ ઉર્જા અને ખનિજ ક્ષેત્ર: પરમાણુ ઉર્જામાં ટેકનિકલ આદાનપ્રદાન તેમજ માઇનિંગ અને ક્રિટિકલ મિનરલ્સ (મહત્વપૂર્ણ ખનિજો) ના ક્ષેત્રમાં સહયોગ વધારવો.
સાયબર સુરક્ષા અને સ્પેસ: પ્રાદેશિક ક્ષમતા વધારવા માટે જોઈન્ટ સાયબર ફોરેન્સિક ટ્રેનિંગ પ્રોગ્રામ અને 'ASEAN-ઈન્ડિયા સ્પેસ હેકાથોન' નું આયોજન.
યુવા અને શિક્ષણ પહેલ: નાલંદા યુનિવર્સિટીમાં ASEAN દેશોના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની તકો વધારવી તેમજ યુવા સંમેલનો અને સ્ટાર્ટ-અપ હેકાથોન માટે 'ASEAN-ઈન્ડિયા યુથ કનેક્ટ' પહેલ શરૂ કરવી.
ક્રિએટિવ પાર્ટનરશિપ: WAVES 2027 માં 'ASEAN-ઈન્ડિયા ક્રિએટિવ પાર્ટનરશિપ પેવેલિયન' સ્થાપવાનો પ્રસ્તાવ.
ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષ 2027 ભારત અને ASEAN સંબંધો માટે ઐતિહાસિક બની રહેશે, કારણ કે ત્યારે બંને પક્ષો તેમની ભાગીદારીના 35 વર્ષ અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના 5 વર્ષની ઉજવણી કરશે. સમિટ દરમિયાન નેતાઓએ આપત્તિ વ્યવસ્થાપનમાં સહયોગ અંગેના સંયુક્ત નિવેદનને પણ અપનાવ્યું હતું.










