મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ગુગલ મેપે પોલીસને આસામને બદલે નાગાલેન્ડ પહોંચાડી, દરોડો પાડવા ગયેલી ટીમને સ્થાનિકોએ બનાવી બંધક

અજાણી જગ્યાએ જઈએ ત્યારે આપણે ચાની ટપરી કે, હાલતા-ચાલતા સ્થાનિકોને રસ્તો પૂછવાની ટેવ રાખતા હતા, પરંતુ ટેકનોલોજીનો

ગુગલ મેપે પોલીસને આસામને બદલે નાગાલેન્ડ પહોંચાડી, દરોડો પાડવા ગયેલી ટીમને સ્થાનિકોએ બનાવી બંધક

અજાણી જગ્યાએ જઈએ ત્યારે આપણે ચાની ટપરી કે, હાલતા-ચાલતા સ્થાનિકોને રસ્તો પૂછવાની ટેવ રાખતા હતા, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કરતા લોકો હવે ગૂગલ મેપના સહારે પ્રવાસ કરી રહ્યા છે. આ સુવિધા ખૂબ સારી છે અને ઉપયોગી પણ નિવડે છે, પરંતુ ટેકનોલોજીની એક મર્યાદા હોય છે અને તેના કારણે ઘણી વખત લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે અથવા તો મોટી મુશ્કેલીમાં મૂકાઈ જતા હોઈ છે. ત્યારે ફરી એક વખત ગૂગલ મેપે દગો આપ્યો છે. ગૂગલ મેપના સહારે આસામમાં દરોડા પાડવા જઈ રહેલી પોલીસની એક ટીમને ગૂગલ મેપે નાગાલેન્ડ પહોંચાડી દીધી. આ દરમિયાન મોટાભાગના પોલીસ કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં જ હતા. તેથી લોકો પોલીસની ટીમને મોર્ડન હથિયારો સાથે જોઈ તો તેઓ તેમને બદમાશ સમજી બેઠા અને તેમના પર હુમલો કરી તેમને બંધક બનાવી લીધા. 

આ પણ વાંચો: વન નેશન વન ઇલેક્શન/ એક સાથે ચૂંટણી યોજવા આટલા બધા EVM ક્યાંથી લાવશો?

ગૂગલ મેપ એ આસામ પોલીસને નાગાલેન્ડ પહોંચાડી

એક અધિકારીએ બુધવારે જણાવ્યું કે, આસામ પોલીસની 16 સદસ્યની ટીમ દરોડા દરમિયાન ગૂગલ મેપ દ્વારા બતાવવામાં આવી રહેલા રૂટને ફોલો કરતા અજાણતામાં નાગાલેન્ડના મોકોકચુંગ જિલ્લામાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન સ્થાનિક લોકોએ તેમના પર હુમલો કરી દીધો હતો અને તેમને રાતભર બંધક બનાવી રાખ્યા હતા. કારણ કે આ સ્થાનિક લોકો પોલીસની ટીમને બદમાશ સમજી ગયા હતા. 

આસામ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 'મંગળવારે રાત્રે જ્યારે જોરહાટ જિલ્લા પોલીસની એક ટીમ એક આરોપીને પકડવા માટે દરોડા પાડી રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી.'

નાગાલેન્ડના લોકોએ આસામ પોલીસને બંધક બનાવ્યા

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, 'આ એક ચાના બગીચાનો વિસ્તાર હતો, જેને ગૂગલ મેપ પર આસામમાં બતાવવામાં આવ્યો છે. જોકે, હકીકતમાં આ વિસ્તાર નાગાલેન્ડની સરહદમાં હતો. GPS પર ભ્રમના કારણે ટીમ ગુનેગારની શોધમાં નાગાલેન્ડની અંદર ઘૂસી ગઈ હતી. સ્થાનિક લોકોએ આસામ પોલીસની ટીમને કેટલાક બદમાશો આધુનિક હથિયારો લઈને આવ્યા હોવાનું સમજી ગયા અને તેમની અટકાયત કરી લીધી અને તેમના પર હુમલો કરી દીધો હતો. 16 પોલીસ કર્મચારીઓમાંથી માત્ર ત્રણ જ કર્મચારીઓ વર્દીમાં હતા અને બાકીના સાદા કપડામાં હતા. તેથી સ્થાનિક લોકોને શંકા ગઈ અને તેમણે ટીમ પર હુમલો કરી દીધો. આ હુમલામાં એક પોલીસ કર્મચારી ઘાયલ થઈ ગયો હતો.' 

નાગાલેન્ડમાં પ્રતિકૂળ સ્થિતિની સૂચના મળતા જ જોરહાટ પોલીસે તાત્કાલિક મોકોકચુંગના પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો. ત્યારબાદ તેમણે આસામ પોલીસ કર્મચારીઓને બચાવવા માટે એક ટીમ ઘટના સ્થળ પર મોકલી. ત્યારબાદ સ્થાનિક લોકોને ખ્યાલ આવ્યો કે, આ આસામની વાસ્તવિક પોલીસ ટીમ હતી અને પછી તેમણે ઘાયલ કર્મચારી સહિત પાંચ સભ્યોને છોડી મૂક્યા. જોકે, તેમણે રાતભર 11 લોકોને બંધક બનાવી રાખ્યા અને પછી સવારે તેમને મુક્ત કરી દીધા. 

આ સમાચાર શેર કરો