Video: અગ્નિવીરો માટે ખુશખબર! અગ્નિપથ યોજનામાં મોટો ફેરફાર, CDS જનરલ સુબ્રમણિએ કરી મોટી જાહેરાત

સોર્સ: gstv

ભારતીય સેનાની અગ્નિપથ યોજનાને લઈને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ એન. એસ. રાજા સુબ્રમણિએ એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે અગ્નિપથ યોજના બંધ કરવામાં આવી નથી અને તે તેના વર્તમાન સ્વરૂપમાં ચાલુ જ રહેશે. આ સાથે જ પ્રથમ 4 વર્ષમાં નિયમિત ભરતી માટે પસંદ ન થઈ શકનારા અગ્નિવીરો માટે 2 વર્ષના વધારાના સેવા સમયગાળાની મોટી જાહેરાત કરી છે.

જનરલ એન. એસ. રાજા સુબ્રમણિએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે, "અગ્નિપથ યોજનાનું 4 વર્ષનું મૂળ માળખું યથાવત્ રહેશે. પરંતુ જે અગ્નિવીરો પ્રથમ 4 વર્ષ બાદ નિયમિત સેના માટે પસંદ નથી થઈ શક્યા, તેમને સેનામાં વધુ બે વર્ષ સેવા આપવાની તક આપવામાં આવશે. આ વધારાના બે વર્ષ દરમિયાન તેઓ પોતાના અનુભવ, યોગ્યતા અને કૌશલ્યને વધુ નિખારી શકશે."

જાહેરાત

બંને પક્ષો માટે 'વિન-વિન' સ્થિતિ

સીડીએસએ વધુમાં સમજાવ્યું કે, જે અગ્નિવીરો પ્રથમ રાઉન્ડમાં પસંદ નથી થયા તેનો અર્થ એવો બિલકુલ નથી કે તેઓ નબળા છે; તે માત્ર એક સાપેક્ષ સરખામણી છે. આ વધારાના 2 વર્ષના સમયગાળામાં તેઓ સેનામાં સેવા આપવાની સાથે સાથે નિયમિત સૈનિક (Regular Soldiers) તરીકે કાયમી ભરતી મેળવવાની વધુ એક તક પણ મેળવી શકશે.

જનરલ સુબ્રમણિના જણાવ્યા અનુસાર, આ વ્યવસ્થા સેના અને યુવાનો બંને માટે ફાયદાકારક સાબિત થશે, કારણ કે સેનાને અનુભવી જવાનો મળશે અને અગ્નિવીરોને દેશસેવા માટે લાંબો સમય તથા કાયમી નોકરીની સુવર્ણ તક મળશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત