શૈક્ષણિક સંસ્થાઓમાં ધરણાં-હડતાળ પર કેરળ હાઇકોર્ટની લાલઆંખ, વાઇસ ચાન્સલર વિવાદમાં વિદ્યાર્થીઓને ઝટકો

શૈક્ષણિક સંસ્થાઓમાં ધરણાં-હડતાળ પર કેરળ હાઇકોર્ટની લાલઆંખ, વાઇસ ચાન્સલર વિવાદમાં વિદ્યાર્થીઓને ઝટકો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કેરળ હાઇકોર્ટે મંગળવારે શ્રી શંકરાચાર્ય સંસ્કૃત યુનિવર્સિટીના 16 સસ્પેન્ડેડ વિદ્યાર્થીઓને 4 નવેમ્બરથી શરૂ થતી સેમેસ્ટર પરીક્ષામાં બેસવાની મંજૂરી આપતા સિંગલ બેંચના વચગાળાના આદેશને રદ કરી દીધો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ધરણાં, ભૂખ હડતાળ જેવી રાજકીય પ્રવૃત્તિઓ અને સત્યાગ્રહ જેવી પ્રથાઓનું બંધારણીય લોકશાહીમાં કોઈ સ્થાન નથી. શૈક્ષણિક સંસ્થાઓમાં આવી પ્રવૃત્તિઓમાં સામેલ થનારા વિદ્યાર્થીઓને હાંકી કાઢી શકાય છે. હાઇકોર્ટે 2017ના એક ચૂકાદાનો હવાલો આપતાં આ ટિપ્પણી કરી હતી. કોર્ટનું કહેવું છે કે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં આવા કૃત્યોમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરી શકાય છે અને તેમને સંસ્થામાંથી બહાર કરી શકાય છે.

યુનિવર્સિટીની અપીલ મંજૂર

યુનિવર્સિટીએ સિંગલ બેંચના 30 ઓક્ટોબર 2026ના વચગાળાના આદેશ સામે અપીલ દાખલ કરી હતી. તે આદેશમાં યુનિવર્સિટીને પરીક્ષા ફી સ્વીકારવા અને સસ્પેન્ડેડ વિદ્યાર્થીઓને આગામી પરીક્ષામાં બેસવાની પરવાનગી આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ડિવિઝન બેંચે અપીલ સ્વીકારીને વચગાળાના આદેશને રદ કરી દીધો છે.

જાહેરાત

કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે PhD સ્કોલર્સ સિવાયના અન્ય અરજદારોને 4 નવેમ્બર 2026થી શરૂ થતી પરીક્ષામાં બેસવાનો હક છે કે નહીં, તે અંગે રિટ અરજીમાં કોઈ ઠોસ દલીલ કરવામાં આવી નથી. તેથી સુપ્રીમ કોર્ટની નક્કી કરેલી આવશ્યકતાઓ અનુસાર આ દલીલો પ્રથમ નજરે (Prima Facie) કોઈ મજબૂત કેસ બનાવતો નથી. સિંગલ જજનો 30 ઓક્ટોબર 2026નો આદેશ વાસ્તવમાં અરજદારોની મુખ્ય રાહત બની ગયો છે. આવી સ્થિતિમાં સદર વચગાળાનો આદેશ કાયમ રાખી શકાય નહીં.

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં, આ વિવાદ 13 ઓગસ્ટ 2026ના રોજ યુનિવર્સિટી કેમ્પસમાં બનેલી ઘટનાથી શરૂ થયો હતો. તે દિવસે સિન્ડિકેટની બેઠક ચાલી રહી હતી. આરોપ છે કે SFI સાથે જોડાયેલા 16 વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સલરની બોગસ (નકલી) અંતિમયાત્રા/અંતિમ સંસ્કાર કર્યા હતા. બેઠક પૂરી થયા પછી જ્યારે વાઇસ ચાન્સલર તેમની ઓફિસમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો અને તેમની ગાડીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

વિદ્યાર્થીઓનો દાવો છે કે તેઓ સ્ટેજની એ લાઈટોની બોગસ અંતિમયાત્રા કાઢી રહ્યા હતા જે કામ કરતી નહોતી. તેમના જણાવ્યા મુજબ આ કોઈ વ્યક્તિગત હુમલો નહોતો. ઘટના બાદ પોલીસમાં FIR નોંધવામાં આવી હતી. 1 સપ્ટેમ્બર 2026ના રોજ શિસ્તબદ્ધ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તમામ 16 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તપાસ સમિતિએ 29 અને 30 સપ્ટેમ્બર 2026ના રોજ સુનાવણી કરી અને બાદમાં પોતાનો રિપોર્ટ સબમિટ કર્યો હતો. જોકે કેટલીક પ્રક્રિયાગત ખામીઓને કારણે આ રિપોર્ટ સિન્ડિકેટ સમક્ષ મૂકી શકાયો નહોતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત