Panchmahal / પડતર પ્રશ્નો મામલે સ્વનિર્ભર શાળા સંચાલકો લડાયક મૂડમાં, ઉકેલ નહીં આવે તો શૈક્ષણિક કાર્ય બંધની ચીમકી

પંચમહાલ જિલ્લાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા લાંબા સમયથી વણઉકેલાયેલા અને પડતર પ્રશ્નોના કાયમી ઉકેલની માગ સાથે મોરચો માંડવામાં આવ્યો છે. આ મામલે શાળા સંચાલકો એકઠા થઈને જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. સમગ્ર મામલે શાળા સંચાલકોએ ચીમકી ઉચ્ચારી છે કે, 'જો પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં લાવવામાં આવે તો જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી ઉગ્ર આંદોલન કરીશું.
પંચમહાલમાં સ્વનિર્ભર શાળા સંચાલકો આક્રમક મૂડમાં
મળતી વિગતો અનુસાર, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. જેમાં શાળાના સંચાલકો દ્વારા FRC(ફી રેગ્યુલેટરી કમિટી) પ્રક્રિયામાંથી મુક્તિ, RTE(રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ વાસ્તવિક ખર્ચનું ચૂકવણું, નવા સુધારા વિધેયકનો વિરોધ, તેમજ સંકલિત કોમન પોર્ટલ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પડતર માંગણીઓ અંગે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી
આવેદનપત્ર પાઠવતા શાળા મંડળે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો આગામી દિવસોમાં આ વણઉકેલાયેલા પ્રશ્નોનો કોઈ કાયમી અને સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે, તો મંડળ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ સાથે વિરોધના ભાગરૂપે સમગ્ર પંચમહાલ જિલ્લાની ખાનગી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

