VIDEO: મહારાષ્ટ્રના અંબરનાથમાં કેમિકલ ફેક્ટરીમાંથી ગેસ લીકેજથી ખળભળાટ, લોકોમાં ભોપાલ દુર્ઘટનાનો ભય
મહારાષ્ટ્રના અંબરનાથમાં કેમિકલ કંપનીની ફેક્ટરીમાંથી ગેસ લીક થવાથી ગભરાટ ફેલાયો છે. કેમિકલનો ધુમાડો સમગ્ર

મહારાષ્ટ્રના અંબરનાથમાં કેમિકલ કંપનીની ફેક્ટરીમાંથી ગેસ લીક થવાથી ગભરાટ ફેલાયો છે. કેમિકલનો ધુમાડો સમગ્ર શહેરમાં ફેલાતા વિઝિબિલિટી ઘટી ગઈ છે. લોકો આંખો અને ગળામાં બળતરા અનુભવી રહ્યા છે. આવું થતાં લોકોના મનમાં 1984ની ભોપાલ ગેસ દુર્ઘટનાની યાદો તાજી થઈ ગઈ છે.
સોશિયલ મીડિયામાં ફરતા થયેલા વીડિયોમાં શહેરના રસ્તાઓ ધુમાડામાં આચ્છાદિત થયેલા જોવા મળે છે. આવું વાતાવરણ થતાં લોકો નાક અને મોં પર રુમાલ રાખીને ફરી રહ્યા છે. વિઝિબિલિટી ઘટતાં અંધારપટ જેવી સ્થિતિમાં લોકો ગભરાયા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગેસ છેક રેલ્વે ટ્રેક સુધીના વિસ્તારોમાં પહોંચી ગયો છે. જેના કારણે ઈમરજન્સીની સ્થિતિમાં લોકો શહેર છોડીને જતા રહેવાની શક્યતા ખતમ થઈ ગઈ છે. ગેસને ટ્રેસ કરવા અને લીક થવાનું કારણ જાણવા પ્રયાસો ચાલુ છે. સૂત્રોએ જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીમો પણ મોકલવામાં આવી છે. અધિકારીઓએ લોકોને ઘરની અંદર રહેવા કહ્યું છે.
જણાવી દઈએ કે 12 સપ્ટેમ્બરની રાત્રે લગભગ દસ વાગ્યે મોરીવલી MIDC વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ આવવા લાગી હતી. જેના કારણે અનેક નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર બ્રિગેડના અધિકારીઓએ તપાસ કરી અને પૂછપરછ કરી ત્યારે એમઆઈડીસીમાં કોઈપણ કંપનીમાંથી ગેસ છોડવામાં આવ્યો ન હતો. જો કે શહેરમાં ધુમાડાના ગોટેગોટા ફેલાતા શહેરીજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર એક કેમિકલ કંપનીમાંથી હવામાં કેમિકલ ફેલાતાં નાગરિકોને આરોગ્યની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ઘણા લોકો ગળામાં દુખાવો અને આંખમાં બળતરાથી પીડાતા હતા.
હાલમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મોબાઈલ વાન દ્વારા હવાના પ્રદૂષણ પર નજર રાખવામાં આવી રહી છે. ચોક્કસ ગેસની તપાસ કરવામાં આવી રહી છે. પ્રશાસને જણાવ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે. લોકોએ ગભરાવાની જરૂર નથી.








