કોના તરફથી પ્રધાનમંત્રી પદની આવી હતી ઓફર? નીતિન ગડકરીએ કર્યો ખુલાસો
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વડાપ્રધાન પદની ઓફરની ચર્ચાઓ વચ

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વડાપ્રધાન પદની ઓફરની ચર્ચાઓ વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, 'હું કંઈક બનવા માટે રાજકારણમાં આવ્યો નથી. આજે હું દિલથી બોલી રહ્યો છું કે મને કોઈ સમસ્યા નથી. પ્રધાનમંત્રી બનવાની મારી કોઈ મહત્વાકાંક્ષા નથી. જો હું પીએમ પદ માટે ડિઝર્વ કરતો હોઈશ તો તે મને મળી જશે.'
કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે, તેમને વિપક્ષી પાર્ટી દ્વારા પીએમ પદની ઓફર કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની વડાપ્રધાન બનવાની કોઈ મહત્વાકાંક્ષા નથી. જ્યારે મને વિપક્ષી દળ દ્વારા વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી ત્યારે મેં તેમને પૂછ્યું હતું કે તમે મને વડાપ્રધાન કેમ બનાવવા માંગો છો અને હું વડાપ્રધાન મોદી સાથે કેમ ન રહું.
એવું પણ બહાર આવ્યું છે કે તેમને વિપક્ષ તરફથી માત્ર લોકસભા ચૂંટણી પહેલા જ નહીં પરંતુ પછી પણ વડાપ્રધાન પદનો ચહેરો બનવાનો પ્રસ્તાવ મળ્યો હતો.
શું આ ઓફર સોનિયા ગાંધી કે શરદ પવારની હતી કે અન્ય કોઈ નેતાની? એવા સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ જવાબ આપતા કહ્યું કે, તમે અનુમાન લગાવવા માટે સ્વતંત્ર છો, હું તમને આ બાબતે કંઈ નહીં કહું.
શું તમને પીએમ મોદી પછી પ્રમોશન મળશે?
વડાપ્રધાન મોદીની વધતી વય અને આરએસએસમાં તેમની શાખ વિશે પણ ગડકરીને સવાલ કરાયો હતો. કાર્યક્રમમાં ગડકરીને સવાલ કરાયો કે શું પીએમ મોદી પછી તમને પ્રમોશન મળશે? તેના જવાબમાં ગડકરીએ કહ્યું કે હું આરએસએસનો સ્વયંસેવક છું. પીએમ મોદીનો સવાલ તમે તેમને જ પૂછો પણ હું ચોખવટ કરવા માગું છું કે પીએમ મોદી સાથે મારા સંબંધો સારા જ છે.
સિદ્ધિઓ અને પડકારો મુદ્દે ગડકરીએ શું કહ્યું?
નીતિન ગડકરી પાસે છેલ્લા દસ વર્ષથી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયની જવાબદારી છે. આ કાર્યક્રમમાં તેમને પૂછવામાં આવ્યું કે શું તમારા અનુભવ મુજબ વધુ મંત્રાલયો ન મળવા જોઈએ? આ અંગે તેમણે કહ્યું કે, 'હું ક્યારેય કોઈની પાસે કંઈ માંગવા ગયો નથી. હું 5 ટકા રાજકારણ અને 95 ટકા સમાજ સેવામાં માનું છું.'
વડાપ્રધાન પદ માટેની ઓફર ક્યારે આવી?
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, 'મને વિપક્ષ તરફથી વડાપ્રધાન પદની ઓફર આવી હતી. પરંતુ મેં વૈચારિક કારણોસર આ ઓફર નકારી કાઢી હતી.' નોંધનીય છે કે, નાગપુરમાં એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે, 'ચોથી જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. મને વિપક્ષે વડાપ્રધાન પદનો પ્રસ્તાવ મૂક્યો હતો. મારી વિચારધારા અલગ હોવાને કારણે મેં પ્રસ્તાવ સ્વીકાર્યો નહોતો.'







