VIDEO: 'મને દોરડાંથી બાંધી રાખ્યો હતો', નાકમાં નળી, હાથમાં યુરિનની કોથળી સાથે ICUમાંથી ભાગેલા દર્દીએ ખોલી હોસ્પિટલની પોલ
મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં 80 ફૂટ રોડ પર આવેલી જીડી હોસ્પિટલ (ગીતાદેવી હોસ્પિટલ રતલામ) નામની હોસ્પિટલમાં દર્દ

મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં 80 ફૂટ રોડ પર આવેલી જીડી હોસ્પિટલ (ગીતાદેવી હોસ્પિટલ રતલામ) નામની હોસ્પિટલમાં દર્દીને આઈસીયુમાં જબરદસ્તી બાંધી રાખી તેના પરિવારજનો પાસેથી પૈસા પડાવ્યા હોવાનો મોટો ખુલાસો થયો છે. આ હોસ્પિટલમાં બંટી નિનામા નામના દર્દીને આઈસીયુમાં દાખલ કરી તેની પત્નીને સારવાર માટે વધુ પૈસાની જરૂર હોવાનું કહી પૈસાની માગ કરી હતી. પત્ની પૈસાની સગવડ કરવા હોસ્પિટલમાંથી બહાર ગઈ હતી, ત્યારે અચાનક તેનો પતિ ઉભો થઈ હોસ્પિટલની બહાર આવ્યો હતો, અને પોતાને આઈસીયુમાં ગોંધી રાખ્યો હોવાનો ખુલાસો કરી હોસ્પિટલના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
બંટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ
આ ઘટના 3 માર્ચની બપોરે ઘટી હતી. બંટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો ત્યારે તે ચર્ચામાં આવ્યો હતો. આ વીડિયોમાં બંટી અર્ધ-નગ્ન અવસ્થામાં છે. તેના હાથમાં ટોઇલેટ બેગ અને નાકમાં ટ્યુબ છે. બંટીએ આરોપ લગાવ્યો હતો કે હોસ્પિટલના કર્મચારીઓએ તેના હાથ-પગ દોરડાથી બાંધીને ICUમાં રાખ્યો હતો. અને તેના પરિવાર પાસેથી પૈસા પડાવવાનું કાવતરૂ ઘડ્યું હતું. આ મામલે હોબાળો વધી જતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
દર્દી કોમામાં, કરોડરજ્જુ તૂટી હોવાનો દાવો..."
લક્ષ્મી નિનામાએ જણાવ્યું કે, મારા પતિને પહેલા મેડિકલ કોલેજ લઈ ગઈ હતી. ત્યાંથી ડોક્ટરે તેમને ઈન્દોર રીફર કર્યો હતો. પરંતુ મેં બંટીને રતલામની આ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. જ્યાં ડોક્ટરે કહ્યું કે, દર્દીની હાલત નાજુક છે. દર્દી કોમામાં છે. બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેની કરોડરજ્જુ તૂટી ગઈ છે અને તે બોલી પણ શકતો નથી. જેથી વધુ પૈસા જમા કરાવવા પડશે. આ સાંભળીને હું દવાખાનું છોડીને પૈસાની વ્યવસ્થા કરવા લાગી. કોઈક રીતે સંબંધીઓ પાસેથી એક લાખ રૂપિયા ભેગા કરી હોસ્પિટલ પહોંચી ત્યારે સીટી સ્કેન થઈ ચૂક્યું હતું. તેનો પતિ ICUમાં દાખલ હતો. તેઓ મારા પતિને દબાવી રહ્યા હતા અને તેના હાથ પણ બાંધેલા હતા. મેં વિચાર્યું કે મારા પતિ કદાચ હોશમાં નહીં હોય અને અહીં-ત્યાં હાથ ફેંકતા હશે. તેથી જ તેમને બાંધવામાં આવ્યા છે.
https://twitter.com/ManojSh28986262/status/1897618743628583040
મારા પતિએ કહ્યું કે હું ઘણા સમય પહેલાં ભાનમાં આવી ગયો હતો, મેં ડોક્ટરને કહ્યું કે, હું મારી પત્નીને મળવા માગું છું. પરંતુ તેઓ મારી સાથે ગેરવર્તન કરી રહ્યા હતાં. બાદમાં હું ગમે તેમ કરી હોસ્પિટલની બહાર આવ્યો, અને હોબાળો થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ડોક્ટરે આપી ધમકી
દર્દી બંટી જ્યારે બેભાન અવસ્થામાંથી ભાનમાં આવ્યો ત્યારે તેણે પરિવારજનોને મળવા દેવા વિનંતી કરી હતી. પરંતુ તેને મળવાની મંજૂરી ન આપી. એક ડોક્ટર તેની પાસે આવ્યા અને બૂમો પાડવા લાગ્યા હતા કે, તમારે ક્યાંય જવાની જરૂર નથી, અહીં જ રહો. તેના હાથ-પગ પણ બાંધી દીધા હતા. ધાક-ધમકીથી આઈસીયુમાં જકડી રાખ્યો હતો. માથામાં પથ્થર વાગ્યો હોવાથી તે એક દિવસ સુધી બેભાનમાં રહ્યો હતો. હોસ્પિટલના મેનેજર નંદકિશોર પાટીદારે સ્વીકાર્યું હતું કે, દર્દીને બાંધીને રાખવામાં આવ્યો હતો. હોસ્પિટલે તેની પાસેથી રૂ. 18000 વસૂલ્યા હતા. પરંતુ બિલ રૂ. 6920નું બન્યું હતું.
હોસ્પિટલે શું કહ્યું
હોસ્પિટલના ડોક્ટરે આ મામલે ખુલાસો કર્યો કે, તે પોાતની જાતને નુકસાન ન પહોંચાડે તે હેતુ સાથે તેને બાંધીને રાખવામાં આવ્યો હતો. અમે તેને સમજાવ્યો પણ તે માન્યો નહીં, તેણે ગાળા-ગાળી શરૂ કરી. કાતર ઉઠાવી મારવાની ધમકી આપી. તે પોતે જ હોસ્પિટલની બહાર જતો રહ્યો. અને હોબાળો કરવા લાગ્યો. આ અમારી વિરૂદ્ધ એક ષડયંત્ર છે. હોસ્પિટલમાં તેણે 18000 જમા કરાવ્યા હતા, પરંતુ બિલ રૂ. 6920નું બન્યું હતું. અમે તેના પરિજનોને અનેક વખત કહ્યું હતું કે, વધેલા પૈસા તેઓ લઈ જાય, પરંતુ કોઈ લેવા આવ્યુ નહીં.
હોસ્પિટલ સામે કાર્યવાહી...
આશિષ ચૌરસિયા રતલામ આરોગ્ય વિભાગમાં 'મીડિયા ઈન્ચાર્જ અને જિલ્લા વિસ્તરણ અધિકારી' છે. તેમણે કહ્યું કે, આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પરથી મળી હતી. ચીફ મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસર (CMHO) એ તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. અમે ફરિયાદી, તેની પત્ની અને અન્ય લોકોના નિવેદન લીધા છે. હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવામાં આવ્યા છે. હોસ્પિટલ મેનેજમેન્ટના કર્મચારીઓ અને મેનેજમેન્ટના લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. જો આમાં હોસ્પિટલ મેનેજમેન્ટ દોષી સાબિત થશે તો તેમની સામે નર્સિંગ હોમ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. કમિટી તપાસ માટે હોસ્પિટલ પહોંચી હતી.
મામલો નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો
મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી રાજેન્દ્ર શુક્લાએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, આરોપોમાં કેટલું સત્ય છે અને હોસ્પિટલનો શું વાંક છે તે જાણવામાં આવી રહ્યું છે. કાયદામાં કાર્યવાહી માટે તપાસ હાથ ધરાઈ છે.
લડાઈમાં ઈજા થઈ હતી
દીનદયાળ પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી મુજબ, મોતીનગરમાં 2 માર્ચની રાત્રે ઝઘડો થયો હતો. રાજેશ ડીંડોર અને દિલીપ સિંઘાડ વચ્ચે ધાર્મિક સ્થળ પાસે ઝઘડો થયો હતો. બંને પક્ષના લોકો વચ્ચે મારામારી થઈ હતી. રાજેશ ડીંડોરે આકાશ ગામડ, કિશન અમલાર, દિલીપ સિંઘાડ, નંદુ મેડા, કરણ નાયક અને દિનેશ ભુરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ, દિલીપ સિંહાદે બંટી નિનામા, સાવન, સોનુ અને અન્ય એક વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ઝઘડામાં લાકડીઓ અને પથ્થરોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે બંટીને ઈજા થઈ હતી.








