મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પૂર્વ ધારાસભ્ય અતર સિંહ ભડાનાની હત્યા, ક્રશર પ્લાન્ટ પર 80 લોકોએ કર્યો હુમલો

રાજસ્થાનમાં ખનન વિવાદે લીધો લોહિયાળ વળાંક! પૂર્વ ધારાસભ્ય અતર સિંહ ભડાનાની હત્યા, ક્રશર પ્લાન્ટ પર 70થી 80 લોકોનો હુમલો

પૂર્વ ધારાસભ્ય અતર સિંહ ભડાનાની હત્યા, ક્રશર પ્લાન્ટ પર 80 લોકોએ કર્યો હુમલો
પૂર્વ ધારાસભ્ય અતર સિંહ ભડાનાની હત્યા, ક્રશર પ્લાન્ટ પર 80 લોકોએ કર્યો હુમલો

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ખનન (Mining) સંબંધિત વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતાં પૂર્વ ધારાસભ્ય અતર સિંહ ભડાનાનું મોત થયું છે. રવિવાર, 11 ઓક્ટોબરની સાંજે વૈર પોલીસ સ્ટેશન વિસ્તારના ભૌંડા ગામમાં આવેલા ક્રશર પ્લાન્ટ (Crusher Plant) પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અતર સિંહ ભડાના ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે જયપુરની એસએમએસ હોસ્પિટલ (SMS Hospital)માં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં રવિવારે મોડી રાત્રે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ ઘટનામાં તેમના અંગત સુરક્ષાકર્મી ગગન શર્મા પણ ઘાયલ થયા છે.

70થી 80 લોકોના ટોળાએ કર્યો હુમલો

પ્રાથમિક માહિતી મુજબ, ભૌંડા અને રાયપુર ગામના આશરે 70થી 80 લોકોનું ટોળું લાકડીઓ, પથ્થરો અને અન્ય ઘાતક હથિયારો સાથે ક્રશર પ્લાન્ટ પર પહોંચ્યું હતું. પ્લાન્ટની નજીક આવેલી પહાડી પર મશીનો દ્વારા ખનનનું કામ ચાલી રહ્યું હતું અને અતર સિંહ ભડાના પણ ત્યાં હાજર હતા.

આ દરમિયાન ટોળાએ પૂર્વ ધારાસભ્ય અને તેમના સુરક્ષાકર્મીને ઘેરી લીધા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં અતર સિંહ ભડાનાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.

પત્નીએ લગાવ્યો ગોળીબારનો આરોપ

પૂર્વ ધારાસભ્યનાં પત્ની કમલેશ ભડાનાએ આક્ષેપ કર્યો છે કે હુમલા દરમિયાન ટોળા દ્વારા ગોળીબાર (Firing) કરવામાં આવ્યો હતો અને અતર સિંહ ભડાનાને ગોળી વાગી હતી. જોકે, પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં ગોળી વાગ્યાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ અંગે મેડિકલ રિપોર્ટ અને તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.

પોલીસ તપાસ શરૂ, વિસ્તારમાં તણાવ

ઘટના પાછળ ખનનને લગતો વિવાદ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. પોલીસ હુમલામાં સામેલ લોકોની ઓળખ અને તેમની ભૂમિકાની તપાસ કરી રહી છે. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ છે. પૂર્વ ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો