ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઇ સોરેન ભાજપમાં થઇ શકે છે સામેલ? 6 ધારાસભ્યો પણ કરી શકે છે પક્ષ પલટો
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઇ સોરેન બળવો કરવાના મૂડમાં છે. તે રાંચીથી દિલ્હી જવા

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઇ સોરેન બળવો કરવાના મૂડમાં છે. તે રાંચીથી દિલ્હી જવા માટે રવાના થયા છે. દિલ્હીમાં ચંપાઇ સોરેન ભાજપના ટોચના નેતાઓને મળી શકે છે. ઝારખંડ મુક્તિ મોરચા (JMM)માંથી રાજીનામું આપી ચંપાઇ સોરેન ભાજપમાં સામેલ થઇ શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે જ્યારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ધરપકડ પહેલા રાજીનામું આપ્યું તો ચંપાઇ સોરેનને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ ફરીથી હેમંત સોરેન મુખ્યમંત્રી બન્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચંપાઇ સોરેન રાંચીથી દિલ્હી JMMના છ ધારાસભ્યો સાથે જઇ રહ્યાં છે. એમ પણ કહેવામાં આવે છે કે તે શિવરાજ સિંહ ચૌહાણના સતત સંપર્કમાં છે. સૂત્રો અનુસાર, JMMના જે ધારાસભ્યોનો સંપર્ક નથી થઇ રહ્યો તેમાં દશરથ ગગરાઇ, રામદાસ સોરેન, ચમરા લિંડા, લોબિન હેમબ્રોમ, સમીર મોહંતી સામેલ છે.
જો ચંપાઇ સોરેન છ ધારાસભ્યો સાથે પક્ષ પલટો કરે છે તો ઝારખંડમાં આ વર્ષના અંત સુધી યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા હેમંત સોરેન માટે મોટો ઝટકો સાબિત થઇ શકે છે.
ચંપાઇ સોરેનના ક્યા નિવેદન પર થયો હતો વિવાદ
ચંપાઇ સોરેનને જ્યારે પક્ષ પલટો કરવા અંગે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું હતું કે રાજકીય જીવન ઘણુ લાંબુ છે. અત્યારે કઇ કહેવું મુશ્કેલ છે. આ સિવાય એવા કેટલાક અન્ય સવાલોને હસીને ટાળતા જોવા મળ્યા હતા. ચંપાઇ સોરેનના આ નિવેદન બાદ ભાજપમાં સામેલ થવાની અટકળો થવા લાગી હતી.
ભાજપમાં સામેલ થવાથી શું ફાયદો થશે?
કહેવામાં આવે છે કે જો ચંપાઇ સોરેન ભાજપમાં સામેલ થાય છે તો તેમના પુત્ર બાબુલાલ સોરેનને ઘાટશિલા અથવા પોટકા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. આ બન્ને બેઠક પર ભાજપના ધારાસભ્ય છે.








