આસામમાં પૂરે વેર્યો વિનાશ, 26 જિલ્લાઓમાં લગભગ 14 લાખ લોકો પ્રભાવિત, 99ના મોત
આસામમાં પૂરને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં હાલ કોઈ સુધારો થતો દેખાઈ રહ

આસામમાં પૂરને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં હાલ કોઈ સુધારો થતો દેખાઈ રહ્યો નથી, જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શુક્રવાર સુધીમાં રાજ્યના 26 જિલ્લાઓમાં લગભગ 14 લાખ લોકો પ્રભાવિત છે. એક સત્તાવાર અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્મપુત્રા સહિત અનેક મોટી નદીઓ રાજ્યના વિવિધ ભાગોમાં ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
આ વર્ષે પૂર, તોફાન અને વીજળી પડવાની ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 99 પર પહોંચી ગઈ છે. અહેવાલમાં જણાવાયું છે કે 83 મહેસૂલ વર્તુળોમાં 13,99,948 લોકો અને 26 જિલ્લાના 2,545 ગામો પ્રભાવિત છે.
આ જિલ્લાઓમાં પૂરની અસર
પૂરના કારણે પ્રભાવિત જિલ્લાઓમાં કચર, બરપેટા, કામરૂપ, નાગાંવ, ધુબરી, વિશ્વનાથ, ગોલાઘાટ, ગોલપારા, હૈલાકાંડી, શિવસાગર, ડિબ્રુગઢ, મોરીગાંવ, તિન્સુકિયા, નલબારી, ધેમાજી, દક્ષિણ સલમારા, લખીમપુર, કરીમગંજ, ચરાઇડો, બોંગરગાંવ, બોંગરગાંવ, બરપેટા, બોંગરગાંવ,દારાંગ, જોરહાટ, કામરૂપ મેટ્રોપોલિટન, માજુલી અને ચિરાંગનો સમાવેશ થાય છે. બુધવાર સુધીમાં, 25 જિલ્લામાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા 14,38,900 હતી. ધુબરીમાં સૌથી વધુ અસરગ્રસ્ત લોકોની સંખ્યા 2,41,186 છે, ત્યારબાદ કચર (1,60,889) અને દરંગ (1,08,125) છે. હાલમાં, 41,596 વિસ્થાપિત લોકો 189 રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે, જ્યારે 72,847 લોકો અન્ય 110 રાહત શિબિરોમાં રોકાયા છે.
નેમાટીઘાટ, તેજપુર અને ધુબરીમાં બ્રહ્મપુત્રા ખતરાના નિશાનથી ઉપર.
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને સ્થાનિક વહીવટીતંત્ર સહિત અનેક એજન્સીઓ રાહત અને બચાવ કામગીરીમાં સામેલ છે. બ્રહ્મપુત્રા નદી નેમાટીઘાટ, તેજપુર અને ધુબરી ખાતે ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જ્યારે બુરહિડીહિંગ ખોવાંગ, નાંગલમુરાઘાટમાં ડિસાંગ અને કરીમગંજના કુશિયારામાં ચેતવણીના નિશાનથી ઉપર વહી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે વિવિધ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી ઘરો, પુલ, રસ્તાઓ અને પાળા સહિત વિવિધ માળખાગત સુવિધાઓને નુકસાન થયું હોવાના અહેવાલો છે.






