આસામમાં પૂરથી હાહાકાર, 78 લોકોના મોતઃ 28 જિલ્લાના અંદાજે 23 લાખ લોકો અસરગ્રસ્ત
ઉત્તરાખંડથી લાઈને પાડોશી દેશ નેપાળ સુધી વરસાદે તબાહી મચાવી છે. આસામમાં ભારે વરસાદના કારણે 8

ઉત્તરાખંડથી લાઈને પાડોશી દેશ નેપાળ સુધી વરસાદે તબાહી મચાવી છે. આસામમાં ભારે વરસાદના કારણે 8 લોકોના મોત થયા છે, જે બાદ પૂર અને વરસાદના કારણે મૃત્યુઆંક 78 પર પહોંચી ગયો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે આસામમાં વરસાદને કારણે 28 જિલ્લાના 3,446 ગામડાના અંદાજે 23 લાખ લોકો પ્રભાવિત થયા છે. વરસાદનું પાણી ઘરોમાં ઘૂસી લોકો રાહત શિબિરોમાં રહેવા મજબૂર છે. પૂરની બીજી લહેરમાં 68,432.75 હેક્ટર જમીનમાં ઊભો પાક પાણીમાં ડૂબી ગયો છે. હજુ પણ વધુ વિસ્તારમાં ખેતી પાકને નુકસાન થવાની શક્યતા છે.
NDRF, SDRF અને સ્થાનિક પ્રશાસન સહિત ઘણી એજન્સીઓ રાજ્યના વિવિધ ભાગોમાં 171 બોટ દ્વારા રાહત કાર્યમાં લાગેલી છે. છેલ્લા 24 કલાકમાં વિવિધ એજન્સીઓ દ્વારા કુલ 70 લોકો અને 459 પશુઓને બચાવી લેવામાં આવ્યા છે. રાજ્યભરમાંથી રસ્તાઓ, પુલો, આંગણવાડી કેન્દ્રો અને માછલીના તળાવોને પણ નુકસાન થયાના અહેવાલો છે.
આસામમાં આ વર્ષે પૂર, ભૂસ્ખલન અને બર્ફિલા તોફાનથી કુલ 78 લોકોના મોત થયા છે. જેમાં પૂરને કારણે 66 લોકોના મોત થયા છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધી સોમવારે આસામ પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કછાર જિલ્લાના ફૂલર્ટલમાં પૂર રાહત શિબિરની મુલાકાત લીધી હતી.
આસામમાં પૂરથી હાહાકાર
આસામમાં પૂરના કારણે વધુ આઠ લોકોના મોત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) અનુસાર, ધુબરી અને નલબારીમાં બે-બે મૃત્યુ નોંધાયા છે, જ્યારે કછાર, ગ્વાલપાડા, ધેમાજી અને શિવસાગરમાં એક-એક મૃત્યુ નોંધાયા છે. આ સાથે મૃત્યુઆંક 78 પર પહોંચી ગયો છે. પૂર અને વરસાદને કારણે અત્યાર સુધીમાં આસામના 22 લાખ 74 હજાર 289 લોકો પ્રભાવિત થયા છે.
પાડોશી દેશમાં 7 લોકો ગુમ
નેપાળમાં પણ વરસાદના કારણે અનેક લોકોના મોત થયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેપાળમાં છેલ્લા ચાર સપ્તાહમાં વરસાદના કારણે 62 લોકોના મોત થયા છે. 90 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ચોમાસા સંબંધિત મૃત્યુના મુખ્ય કારણો ભૂસ્ખલન, પૂર અને વીજળી છે. 34 લોકો ભૂસ્ખલનમાં મૃત્યુ પામ્યા હતા જ્યારે 28 લોકો અવિરત વરસાદના કારણે પૂરમાં મૃત્યુ પામ્યા હતા. આ કુદરતી આફતોના કારણે સાત લોકો ગુમ પણ થયા છે.







