લોકસભા ચૂંટણી 2024માં પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ: નીતિન ગડકરી સહિત 8 કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રીનું નસીબ EVMમાં થશે કેદ
વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ થયું છે. સાત તબક્કામાં યોજ

વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ થયું છે. સાત તબક્કામાં યોજાનારી ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 102 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. પ્રથમ તબક્કાના મતદાનમાં 1625 ઉમેદવારો મેદાનમાં છે, તેમજ કેન્દ્રના 8 મંત્રીઓના નસીબ EVMમાં લોક થશે.
નીતિન ગડકરી સહિત આ નેતાઓનું ભાવિ EVMમાં થશે કેદ
નીતિન ગડકરી, કિરણ રિજિજુ સહિત 8 કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી, તેલંગાણાના પૂર્વ રાજ્યપાલનું નસીબ EVMમાં કેદ થશે.
ચૂંટણી પંચ મુજબ પ્રથમ તબક્કાના મતદાનમાં કુલ 1625 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 1491 પુરૂષ અને 134 મહિલા ઉમેદવારો છે. પ્રથમ તબક્કાના મતદાનમાં માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરણ રિજિજૂ સહિત 8 કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી, ત્રિપુરામાં વિપ્લવ દેવ અને અરૂણાચલ પ્રદેશમાં નબામ તુકી અને તેલંગાણાના રાજ્યપાલ પદેથી રાજીનામું આપનારા તમિલિસાઇ સૌન્દરરાજન પણ ચૂંટણી મેદાનમાં તેમનું નસીબ અજમાવી રહ્યા છે.
બીજી તરફ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથની છિંદવાડા બેઠક પર પણ મતદાન યોજાઇ રહ્યું છે. તમિલનાડુની શિવગંગા બેઠક પણ હાઇપ્રોફાઇલ છે.કોંગ્રેસ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. કાર્તિ 2019માં અહીંથી જ સાંસદ ચૂંટાયા હતા.
21 રાજ્યની 102 બેઠક પર મતદાન
વધુમાં પ્રથમ તબક્કાના મતદાનમાં તમિલનાડુ જે એક એવું મોટું રાજ્ય છે જેની બધી જ 39 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. પ્રથમ તબક્કામાં તમિલનાડુના 39, ઉત્તરાખંડની 5, અરૂણાચલ પ્રદેશની 2, મેઘાલયની 2, અંદમાનની એક, મિઝોરમની 1, નાગાલેન્ડની 1, પોડિચેરીની 1, સિક્કિમની 1 અને લક્ષદ્વીપની એક બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે. આ સિવાય રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્ય પ્રદેશની 6, આસામ અને મહારાષ્ટ્રની 5-5 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. બિહારની ચાર, પશ્ચિમ બંગાળની 3, મણિપુરની 2 અને ત્રિપુરા, જમ્મુ કાશ્મીર અને છત્તીસગઢની 1-1 બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે.








