નવજાત પુત્રને બચાવવા 2 વર્ષના દીકરાને વેચી આવ્યો મજબૂર પિતા, સમગ્ર ઘટના જાણી ચોંકી જશો
નાના બાળકોની તસ્કરી અને વેચાણ ગેરકાયદેસર છે. છતાં ભારતમાં આ ગુના છાસવારે નોંધાતા રહે છે. હાલમાં જ ઉત્તરપ્રદેશ

નાના બાળકોની તસ્કરી અને વેચાણ ગેરકાયદેસર છે. છતાં ભારતમાં આ ગુના છાસવારે નોંધાતા રહે છે. હાલમાં જ ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લામાંથી આવો જ એક મામલો સામે આવ્યો છે. એક ગરીબ ગ્રામીણને તેની પત્ની અને નવજાતને હોસ્પિટલમાંથી ઘરે લાવવા માટે તેના બે વર્ષના પુત્રને વેચવો પડ્યો હતો. વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી બાદ સંચાલકે ચાર હજાર રૂપિયા માંગ્યા હતા. પૈસા તાત્કાલિક ન મળતાં મહિલા અને નવજાતને ઘરે જવા દેવામાં આવ્યા ન હતા. નિઃસહાય પિતાએ તેના નવજાત શિશુ અને તેની પત્નીને ઘરે લાવવા માટે 20,000 રૂપિયામાં પોતાના બે વર્ષના દીકરાને વેચી માર્યો હતો. ઘરે પહોંચ્યા બાદ પત્નીએ પુત્રને શોધવાનું શરૂ કર્યું તો પતિની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે આખી વાત કહી.
બે વર્ષના પુત્રને 20,000 રૂપિયામાં વેચી માર્યો
મળતી માહિતી મુજબ, બરવા પટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારના દશાહવા ભેડીહારી ગામમાં રહેતા હરેશ પટેલની પત્ની લક્ષ્મીના દેવીને પ્રસૂતિની પીડા ઉપડી હતી. હરેશ તેને ગામની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં તેની નોર્મલ ડિલિવરી થઈ. સાંજે હોસ્પિટલ સંચાલકે ચાર હજાર રૂપિયાની માંગણી કરી હતી. દરમિયાન આર્થિક સંકડામણથી પરેશાન હરેશ એક મહિલાને મળ્યો અને તેણે તેના પુત્રને દત્તક લેવા કહ્યું. તેણે કહ્યું કે તે બદલામાં 20 હજાર રૂપિયા આપશે. આખી રાત પરેશાન હરેશે સવારે તેના બે વર્ષના પુત્રને 20,000 રૂપિયામાં વેચી માર્યો હતો. હોસ્પિટલમાં ચાર હજાર રૂપિયા ભર્યા બાદ તે પત્ની અને નવજાતને ઘરે લઈ ગયો હતો. ઘરમાં નાનું બાળક ન દેખાતાં લક્ષ્મી ચિંતામાં પડી ગઈ. આ પછી હરેશે પોતાની લાચારીનું દર્દ લક્ષ્મીના સાથે શેર કર્યું.
કોન્સ્ટેબલે કર્યો તોડ
સોદાગરોએ પૂરી તૈયારી સાથે કામ કર્યું છે. ખરીદ-વેચાણનો મામલો સાબિત ન થાય તે માટે તેણે સ્ટેમ્પ પેપર અને હરેશ પટેલની સહી કરાવી લીધી હતી. સાથે જ સૂચના આપી કે જો કોઈ પૂછે તો એટલું જ કહે કે તમે બાળક દત્તક લીધું છે. બાળક વેચી દેવાની વાત ફેલાઈ ત્યારે એક કોન્સ્ટેબલ બાઇક પર હરેશના ઘરે પહોંચ્યો. હરેશે ગ્રામજનોને જણાવ્યું હતું કે કોન્સ્ટેબલે બાળક વેચવાના કેસમાં કાર્યવાહી કરવાની ધમકી આપીને પાંચ હજાર રૂપિયા લીધા હતા. કોન્સ્ટેબલના આ પગલાની ગામમાં પણ ચર્ચા થઈ રહી છે, મામલો તેમના ધ્યાને આવ્યા બાદ પોલીસ અધિક્ષકે કોન્સ્ટેબલની તપાસ કરી હતી.
બાળક વેચવાની માહિતી મળતાં જ ડીએમ ઉમેશ મિશ્રા અને પોલીસ અધિક્ષક સંતોષ કુમાર મિશ્રા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડીએમ ઉમેશ મિશ્રાએ જણાવ્યું હતું કે તપાસ બાદ બાળક રિકવર કરવામાં આવ્યું છે. આ મામલાની તપાસ કરીને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ કેસમાં દોષિતોને સજા થશે
પૈસાના અભાવે ગર્ભવતી મહિલાના પરિવારને હેરાન કરનાર હોસ્પિટલ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. બાળક ખરીદનાર અને વચેટિયા તરીકે કામ કરનારા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ ચાલી રહી છે, જે પણ દોષી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, આ કેસમાં સામેલ તમામ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.








