ખેડૂત નેતા જગજીતસિંહ ડલ્લેવાલની તબિયત ફરી બગડી, 101 દિવસથી આમરણાંત ઉપવાસ પર
પંજાબના ખનૌરી બોર્ડર પર આમરણાંત ઉપવાસ કરી રહેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ

પંજાબના ખનૌરી બોર્ડર પર આમરણાંત ઉપવાસ કરી રહેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલની તબિયત ફરી બગડી ગઈ છે. ખેડૂત નેતા અભિમન્યુ કોહાડ અને કાકા સિંહ કોટડાના અનુસાર, છેલ્લા બે દિવસોથી ડલ્લેવાલના પગમાં ખૂબ સોજા આવી રહ્યાં છે, જ્યારે આમરણાંત ઉપવાસને કારણે ડલ્લેવાલે પહેલાથી જ જમવાનું છોડી દીધેલું છે.
તેવામાં હવે ડલ્લેવાલના શરીરથી પેશાબ દ્વારા પાણી બહાર જઈ રહ્યું છે. ડ્રિપના માધ્યમથી તેમની મેડિકલ મદદ પણ બંધ થઈ ગઈ છે. જો કે, વરિષ્ઠ ડોક્ટોની ટીમ સમગ્ર સ્થિતિ પર દેખરેખ રાખી રહી છે. ડલ્લેવાલનો આમરણાંત ઉપવાસ 101 દિવસથી ચાલી રહ્યો છે.
ખેડૂતોનો આભાર માન્યો
ખરાબ તબિયત છતાં આજે ડલ્લેવાલે વીડિયો સંદેશ જાહેર કરીને દેશના તે તમામ ખેડૂતોનો આભાર માન્યો છે, જેઓ બુધવારે તેમના આમરણાંત ઉપવાસના 100 દિવસ પૂર્ણ થવા પર એક દિવસની સાંકેતિક ભૂખ હડતાલમાં સામેલ થયા.
'મુખ્યમંત્રી માન કેન્દ્રની તર્જ પર કામ કરી રહ્યા છે'
ડલ્લેવાલે પોતાના વીડિયો સંદેશમાં પંજાબ સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે, 'મુખ્યમંત્રી ભગવંત માન કેન્દ્ર સરકારની તર્જ પર કામ કરી રહ્યા છે. જે રીતે કેન્દ્રએ સરહદો પર ખેડૂતોને દિલ્હી જતા અટકાવ્યા અને તેમના પર અત્યાચાર ગુજાર્યા. તેવી જ રીતે, માન સરકારે ખેડૂતોને ચંદીગઢ પહોંચતા અટકાવવા માટે તેમની ધરપકડ કરી અને આખા પંજાબને ખુલ્લી જેલમાં ફેરવી દીધું. આ એકદમ ખોટું વલણ છે, જેની તેઓ આકરી નિંદા કરે છે.' ડલ્લેવાલે માંગ કરી હતી કે સરકાર દ્વારા SKM ખેડૂતોની માંગણીઓનો ગંભીરતાથી ઉકેલ લાવવો જોઈએ.






