દિલ્હી પોલીસના નામે X યુઝર્સને મોકલાવી ફેક નોટિસ, IFF અને SFLCના એકાઉન્ટ હટાવવાનો પ્રયાસ

દિલ્હી પોલીસના નામે X યુઝર્સને મોકલાવી ફેક નોટિસ, IFF અને SFLCના એકાઉન્ટ હટાવવાનો પ્રયાસ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર)એ દિલ્હી હાઈકોર્ટમાં ખુલાસો કર્યો છે કે ડિજિટલ અધિકાર સંસ્થાઓ (Digital Rights Organisations) ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન (IFF) અને સોફ્ટવેર ફ્રીડમ લો સેન્ટર ઇન્ડિયા (SFLC)ના એકાઉન્ટ તથા કેટલીક પોસ્ટ હટાવવા માટે દિલ્હી પોલીસના નામે નકલી નોટિસ મોકલવામાં આવી હતી. Xના જણાવ્યા અનુસાર, આ નોટિસ પોલીસ દ્વારા નહીં, પરંતુ દિલ્હી પોલીસના અધિકારી હોવાનો ઢોંગ કરનાર એક ઠગ (Impersonator) દ્વારા મોકલવામાં આવી હતી. એલોન મસ્કની માલિકીના Xએ કોર્ટને જણાવ્યું હતું કે આંતરિક તપાસ દરમિયાન નોટિસ શંકાસ્પદ અને બનાવટી હોવાનું સામે આવ્યું હતું. તેથી પ્લેટફોર્મે આ નોટિસના આધારે કોઈ કાર્યવાહી કરી નહોતી. ઉપરાંત, નકલી નોટિસ મોકલનાર વ્યક્તિની ઓળખ કરવા માટે Xએ દિલ્હી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.

ત્રણ કલાકમાં એકાઉન્ટ બ્લોક કરવાની માગ

આ મામલો જસ્ટિસ અમિત મહાજનની અધ્યક્ષતાવાળી દિલ્હી હાઈકોર્ટની બેન્ચ સમક્ષ આવ્યો હતો. IFF અને SFLCએ 31 ઓક્ટોબર અને 2 નવેમ્બરના રોજ મોકલવામાં આવેલી કથિત નોટિસોને પડકારતી અરજીઓ દાખલ કરી હતી. અરજીઓમાં જણાવાયું હતું કે સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (ક્રાઇમ)ના નામે Xને નોટિસ મોકલવામાં આવી હતી. તેમાં બંને સંસ્થાઓની કેટલીક પોસ્ટ હટાવવા અથવા રોકવા (Remove/Withhold) અને તેમના સમગ્ર એકાઉન્ટ બ્લોક કરવાની માગ કરવામાં આવી હતી. આ કાર્યવાહી માટે માત્ર ત્રણ કલાકનો સમય આપવામાં આવ્યો હોવાનો પણ દાવો કરાયો હતો. નોટિસમાં બંને સંસ્થાઓની કેટલીક સામગ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની બદનક્ષી કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે, સંસ્થાઓએ નોટિસની કાયદેસરતા અને અધિકૃતતા સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે નોટિસમાં યોગ્ય સત્તાધિકારની મંજૂરી દર્શાવવામાં આવી નહોતી અને તે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટની જોગવાઈઓને અનુરૂપ નહોતી.

જાહેરાત

હાઈકોર્ટમાં Xની ખાતરી બાદ અરજીઓનો નિકાલ

IFF અને SFLC તરફથી વરિષ્ઠ વકીલ અખિલ સિબલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે IFFએ RSSનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાંથી કોઈ જવાબ મળ્યો નહોતો. જ્યારે SFLCએ નોટિસમાં દર્શાવેલા દિલ્હી પોલીસના ઇમેઇલ સરનામે સંદેશ મોકલ્યો હતો, પરંતુ તે પરત આવ્યો હતો. Xએ કોર્ટને ખાતરી આપી હતી કે IFF અને SFLCનાં એકાઉન્ટ હટાવવામાં નહીં આવે. આ ખાતરી બાદ હાઈકોર્ટે બંને સંસ્થાઓની અરજીઓનો નિકાલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 29 ઓક્ટોબરે IFF, SFLC અને અન્ય ડિજિટલ અધિકાર સંસ્થા Geo Blocked Indiaને RSS વતી કાનૂની નોટિસ હોવાનો દાવો કરતા ઇમેઇલ મળ્યા હતા. તેમાં ભારતમાં ઓનલાઈન સેન્સરશિપ (Online Censorship)ના કિસ્સાઓનું દસ્તાવેજીકરણ અને પ્રચાર બંધ કરવાની માગ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત