હરિયાણામાં ભાજપની હેટ્રિક પર નજર, પીએમ મોદીએ વોટિંગમાં નવો રેકોર્ડ બનાવવા કરી અપીલ
હરિયાણાના મુખ્યપ્રદાન નાયબસિંઘ સૈની, ભુપિન્દર હૂડા અને વિનેશ ફોગાટ ઉપરાંત જેજેપીના દુષ્યંત ચૌટાલા અને અન્ય ૧૦૨૭ ઉમેદવારોનુ

હરિયાણાના મુખ્યપ્રદાન નાયબસિંઘ સૈની, ભુપિન્દર હૂડા અને વિનેશ ફોગાટ ઉપરાંત જેજેપીના દુષ્યંત ચૌટાલા અને અન્ય ૧૦૨૭ ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં સીલ થઈ જશે. હરિયાણાની ૯૦ બેઠકોની ચૂંટણી માટે આજે (પાંચમી ઓક્ટોબરે) મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપની નજર હેટ્રિક પર છે, જ્યારે કોંગ્રેસને દાયકા પછી સત્તામાં પરત ફરવાની આશા છે. મતગણતરી ૮મી ઓક્ટોબરના રોજ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું, 'આજે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. હું તમામ મતદારોને લોકશાહીના આ પવિત્ર તહેવારનો ભાગ બનવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા અપીલ કરું છું. આ અવસરે રાજ્યના તમામ યુવા મિત્રોને મારી ખાસ શુભેચ્છાઓ કે જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે.
ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરે આજે વહેલી સવારે ઝજ્જરમાં પ્રથમ વખત મતદાન કર્યું હતું. મનુ ભાકરે કહ્યું કે દેશના યુવાનો તરીકે આપણા શ્રેષ્ઠ ઉમેદવારને મત આપવાની જવાબદારી આપણી છે. તેમણે કહ્યું કે નાના પગલા દ્વારા જ મોટા લક્ષ્યો હાંસલ કરી શકાય છે. મનુ ભાકરે જણાવ્યું કે, તેમના જીવનમાં આ પહેલીવાર મતદાન કરી રહી છે.
બીજેપી નેતા કુલદીપ બિશ્નોઈએ હિસારમાં મતદાન કેન્દ્ર પર મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, 'ભાજપ પૂર્ણ બહુમત સાથે ત્રીજી વખત સરકાર બનાવશે. ભાજપની તરફેણમાં સારું વાતાવરણ છે. કોંગ્રેસે અહીં જે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે તે બહારના છે. ભવ્ય બિશ્નોઈમાં લોકોને ભજનલાલની ઝલક દેખાય છે.
હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગરવાલે જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ ૨,૦૩,૫૪,૩૫૦ મતદાતા છે. તેમા ૮,૮૨૧ મતદાતા તો સદી ફટકારી ચૂક્યા છે અને તે મતદાન કરશે. મતદાન સવારે સાત વાગ્યાતી શરૂ થશે અને સાંજે છ વાગ્યા સુધી ચાલશે.
૯૦ વિધાનસભા બેઠકો પર કુલ ૧,૦૩૧ ઉમેદવારો ઊભા છે અને તેમાથી ૧૦૧ મહિલા છે તો ૪૬૪ ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મતદાન માટે કુલ ૨૦,૬૩૨ બૂથ રાખવામાં આવ્યા છે. હરિયાણાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, આઇએનએલડી-બીએસપી અને જેજેપી-આઝાદ સમાજ પાર્ટી મુખ્ય પક્ષો છે.








