દિલ્હી-NCRના વકીલોને BS-6 નિયમોમાંથી છૂટ, કોર્ટ સ્ટાફને પણ હાઈકોર્ટની રાહત

દિલ્હી-NCRના વકીલોને BS-6 નિયમોમાંથી છૂટ, કોર્ટ સ્ટાફને પણ હાઈકોર્ટની રાહત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે BS-6 ઉત્સર્જન ધોરણો (Emission Standards) કરતાં નીચા વાહનો પર લગાવવામાં આવેલા પ્રતિબંધ વચ્ચે દિલ્હી હાઈકોર્ટે વકીલો અને કોર્ટના કર્મચારીઓને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે શુક્રવારે આદેશ આપ્યો કે એનસીઆરમાં રહેતા વકીલો અને ન્યાયિક કર્મચારીઓ BS-6 ધોરણોનું પાલન ન કરતાં વાહનોમાં પણ દિલ્હી આવી-જઈ શકશે. જોકે, આ છૂટ માત્ર કોર્ટના કામકાજના દિવસો પૂરતી મર્યાદિત રહેશે.

દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશનની અરજી પર નિર્ણય

જસ્ટિસ અમિત મહાજને દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશન (Delhi High Court Bar Association)ની અરજી પર આ આદેશ આપ્યો હતો. કોર્ટના વિગતવાર આદેશની નકલ હજુ જાહેર થવાની બાકી છે. આ નિર્ણયથી ગુરુગ્રામ, ફરીદાબાદ, નોઇડા અને ગાઝિયાબાદમાં રહેતા વકીલોને રાહત મળશે.

જાહેરાત

BS-6થી ઓછા ધોરણનાં વાહનો પર પ્રતિબંધ

દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને અન્ય રાજ્યોમાં નોંધાયેલા BS-6 ધોરણો કરતાં નીચા વાહનોના પ્રવેશ અને સંચાલન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમને કારણે એનસીઆરના શહેરોમાં રહેતા અને દિલ્હીની અદાલતોમાં પ્રેક્ટિસ કરતા વકીલોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

વકીલોની દલીલ: ન્યાયિક કામગીરીને અસર થઈ શકે

બાર એસોસિએશને કોર્ટમાં રજૂઆત કરી હતી કે મોટી સંખ્યામાં વકીલો દિલ્હી બહારના શહેરોમાં રહે છે અને દરરોજ સુનાવણી માટે દિલ્હી આવે છે. તેમને કોર્ટમાં હાજરી આપવા, ક્લાયન્ટ્સને મળવા તેમજ વરિષ્ઠ વકીલોના ચેમ્બરમાં જવા માટે પોતાના વાહનોનો ઉપયોગ કરવો પડે છે. એસોસિએશન તરફથી વરિષ્ઠ વકીલ એન. હરિહરને દલીલ કરી હતી કે વકીલો અને ન્યાયિક કર્મચારીઓ ન્યાય વ્યવસ્થાનો મહત્ત્વનો હિસ્સો છે. તેમને દિલ્હી આવતાં અટકાવવામાં આવે તો અદાલતી કામગીરી પર અસર પડી શકે છે અને સમયસર વકીલ હાજર ન રહેતાં પક્ષકારોને પણ નુકસાન થઈ શકે છે.

એક વકીલને એક વાહનની છૂટ આપવાની માગ

બાર એસોસિએશને છૂટને વ્યવસ્થિત રાખવા માટે દરેક પાત્ર વકીલને માત્ર એક નિશ્ચિત વાહનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સાથે વકીલનું ઓળખપત્ર, વાહનનાં જરૂરી દસ્તાવેજો અને માન્ય પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUCC)ની તપાસ કરવાની પણ માગ કરી હતી. હાલ હાઈકોર્ટે વકીલો અને કોર્ટ સ્ટાફને કામકાજના દિવસોમાં રાહત આપી છે. આ નિર્ણયથી દિલ્હી બહાર રહેતા ન્યાયિક વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને અવરજવરમાં સરળતા થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત