મહારાષ્ટ્રમાં પસંદગીની બેઠકો પર EVM હેક કરાયા, કોંગ્રેસે ફરી ઉઠાવ્યા સવાલ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયા પછી ફરી એક વખત પક્ષે દેશભરમાં EVM પર સવાલ ઊઠાવ્યો છે. કો

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયા પછી ફરી એક વખત પક્ષે દેશભરમાં EVM પર સવાલ ઊઠાવ્યો છે. કોંગ્રેસ નેતા પવન ખેરા અને જયરામ રમેશે મહારાષ્ટ્રના પરિણામોને અવિશ્વસનીય ગણાવતા EVMમાં ગડબડનો આક્ષેપ કર્યો છે.
કોંગ્રેસે ફરી EVM પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસે કહ્યું કે દેશમાં EVM ઈવીએમથી ચૂંટણી લડાશે ત્યાં સુધી ન્યાયી અને નિષ્પક્ષ મતદાનની કોઈ શક્યતા નથી. બીજી બાજુ કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વર રાવે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં પસંદગીની બેઠકો પર EVM હેક કરાયા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પવન ખેરા અને જયરામ રમેશે EVM મુદ્દે સવાલ ઉઠાવ્યા પછી સમગ્ર દેશમાં કોંગ્રેસ નેતાઓએ EVM સામે સવાલ ઉઠાવ્યા છે. કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને મહાવિકાસ આઘાડીનો દેખાવ ખૂબ જ ખરાબ રહ્યો એ જનતા જાણે છે. જોકે, મહારાષ્ટ્રમાં અમારા કેટલાક નેતાઓએ બેઠકો અને ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કર્યું. અમને જે માહિતી મળી છે તે આશ્ચર્યનજક છે. EVM હેક કરવામાં આવ્યા છે.જોકે, દરેક ચૂંટણી ક્ષેત્રમાં નહીં, પરંતુ પસંદગીની બેઠકો પર કેટલાક બૂથો પર EVM હેક કરવામાં આવ્યા છે. અમે આ મુદ્દે ચૂંટણી પંચને અપીલ કરીશું.
કોંગ્રેસ અધ્યક્ષે પણ આપી પ્રતિક્રિયા
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ એક્સ પર પોસ્ટમાં લખ્યું હતું કે, મહારાષ્ટ્રના પરિણામો અવિશ્વસનીય છે. પક્ષ આ પ્રકારના પરિણામોના સાચા કારણોને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
અગાઉ, મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાના પરિણામો જાહેર થયા પછી કોંગ્રેસ નેતા પવન ખેરા અને જયરામ રમેશે મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો પર સવાલ ઊઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં લેવલ પ્લેઈંગ ફિલ્ડ એટલે કે સમાન તકોની સ્થિતિ બગાડવામાં આવી હતી, જેથી ચૂંટણીની નિષ્પક્ષતા શંકાસ્પદ બની છે.
ભાજપને 148માંથી 132 બેઠક કેવી રીતે મળી?
તેમણે દાવો કર્યો કે મે 2024માં લોકસભા ચૂંટણીમાં જે મહારાષ્ટ્રની જનતાએ નરેન્દ્ર મોદીને નકારી કાઢ્યા હતા એ જ જનતાએ વિધાનસભામાં અભૂતપૂર્વ વિજય અપાવ્યો તે માનવું અવિશ્વસનીય છે. આ બાબત EVM પર શંકા ઉપજાવે છે અને આ તપાસનો વિષય છે. તેઓ ચૂંટણી પરિણામોનું ગંભીરતાપૂર્વક વિશ્લેષણ કરશે. કોંગ્રેસ એ પણ સમજવાનો પ્રયત્ન કરશે કે ભાજપને 148માંથી 132 બેઠકો પર વિજય કેવી રીતે મળી શકે?
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાંથી ફડણવીસ અને શિંદેમાંથી કોઈ એક જશે દિલ્હી, જાણો શું છે રાજકીય સમીકરણો
પવન ખેરાએ ઉમેર્યું કે, અમે જીતીએ કે હારીએ ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા રહીશું. વિદ્યાર્થીઓના પેપર લીક થઈ જાય છે ત્યાં આંખો બંધ કરીને મશીનો અને ચૂંટણી પ્રક્રિયા પર વિશ્વાસ કરી શકાય નહીં. અમે વારંવાર ચૂંટણી પ્રક્રિયાની પારદર્શીતા અને EVMના મુદ્દા ઉઠાવતા રહીશું. દરમિયાન કોંગ્રેસ નેતા ઉદીત રાજે કહ્યું કે EVMથી ચૂંટણી થતી રહેશે ત્યાં સુધી ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી શક્ય નથી. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો સ્પષ્ટ રીતે EVMના વિજયના સંકેત આપે છે.








