મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મતદાનમાં ગેરરીતિની આશંકા દૂર થશે, ચૂંટણી પંચે  EVM ડેટા અને VVPAT સ્લિપ અંગે લીધો આ નિર્ણય 

લોકતાંત્રિક પ્રક્રિયામાં પારદર્શિતા માટે ચૂંટણી પંચે વધુ એક જોગવાઈ કરી છે. આ જોગવા

મતદાનમાં ગેરરીતિની આશંકા દૂર થશે, ચૂંટણી પંચે  EVM ડેટા અને VVPAT સ્લિપ અંગે લીધો આ નિર્ણય 

લોકતાંત્રિક પ્રક્રિયામાં પારદર્શિતા માટે ચૂંટણી પંચે વધુ એક જોગવાઈ કરી છે. આ જોગવાઈ અનુસાર, મતદાનની અનિયમિતતાની આશંકા ધરાવતા ઉમેદવારો (મતદાન અને મતગણતરીથી અસંતુષ્ટ) કોઈપણ મતદાન મથકમાંથી કોઈપણ ઈવીએમ તપાસ કરવા માટે પસંદ કરી શકે છે. જેનો ડેટા અને VVPAT સ્લિપ મેચ કરી શકાય. 

જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થયા પછીથી ચૂંટણી પંચને 8 જેટલા ઉમેદવારોએ ફરિયાદ કરી હતી. જેમાં મશીન, ડેટા, કાઉન્ટિંગ, મેચિંગ અને માઈક્રોચિપ સાથે ગેરરીતિ કે ચેડાં થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ચૂંટણી પંચે કરી જાહેરાત

ચૂંટણી પંચે SOP જારી કરીને ચૂંટણી પરિણામમાં બીજા અને ત્રીજા નંબરે આવનાર ઉમેદવારોને આ સુવિધા આપવાની જાહેરાત કરી છે. નિયમો મુજબ, કોઈપણ મતવિસ્તારમાં ઈવીએમ VVPAT સેટની કુલ સંખ્યાના પાંચ ટકા જેટલા મેચિંગ રેન્ડમ રીતે કરવામાં આવે છે. આ નંબરોની અંદર જ ઉમેદવારો તેમની ચોક્કસ પસંદગીના બૂથ અને EVMનો સીરીયલ નંબર ટાંકીને તપાસ માટે યોગ્ય ફી ચૂકવીને બતાવી શકે છે.

ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણી દરમિયાન EVM અને VVPATની મેમરી વેરિફિકેશન માટે પ્રતિ મશીન 40 હજાર રૂપિયા અને તેના પર 18 ટકા GST એડવાન્સ જમા કરાવવાનો રહેશે. કમિશનના ટેકનિકલ નિષ્ણાતોની ટીમ બધાની સામે જ ડેટા વેરિફિકેશન કરશે.  જો ફરિયાદ સાચી જણાશે એટલે કે EVM ડેટા અને સ્લિપ વચ્ચે અનિયમિતતા જોવા સાબિત થશે તો કાર્યવાહી કરવામાં આવશે અને સમગ્ર ફી ફરિયાદીને પરત કરવામાં આવશે. જો ફરિયાદ ખોટી રહી તો ફી જપ્ત થઈ જશે.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચના 26 એપ્રિલે આપેલા નિર્ણય અનુસાર મત ગણતરીના સાત દિવસમાં વેરિફિકેશન માટે અરજી દાખલ કરવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે 26 એપ્રિલે પોતાના મહત્વના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું હતું કે, મતદાન ઈવીએમ મશીન દ્વારા જ યોગ્ય છે. EVM-VVPAT નું 100% મેચિંગ કરવામાં આવશે નહીં. EVM ડેટા એટલે કે મેમરી અને VVPAT સ્લિપને 45 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે. આ સ્લિપ ઉમેદવારો અથવા તેમના એજન્ટોની સહી સાથે સુરક્ષિત રાખવામાં આવશે.

ફરિયાદ સાચી જણાય તો ખર્ચ પરત કરવામાં આવશે

કોર્ટે નિર્દેશ આપ્યો છે કે ચૂંટણી બાદ સિમ્બોલ લોડિંગ યુનિટને પણ સીલ કરીને સુરક્ષિત કરવામાં આવે. ઉમેદવારો પાસે પરિણામોની જાહેરાત બાદ 7 દિવસની અંદર તકનીકી ટીમ દ્વારા ઇવીએમના માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામની ચકાસણી કરવાનો વિકલ્પ રહેશે. આ નિર્ણય આપતા જસ્ટિસ ખન્નાએ કહ્યું કે VVPAT વેરિફિકેશનનો ખર્ચ ઉમેદવારોએ પોતે ઉઠાવવો પડશે. જો કોઈ પણ સંજોગોમાં ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી હોય તો ખર્ચ પરત કરવામાં આવશે. આ દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું હતું કે સિસ્ટમ પર આંધળો અવિશ્વાસ કરવો માત્ર શંકા પેદા કરે છે. લોકશાહીનો અર્થ જ વિશ્વાસ અને સંવાદિતા જાળવી રાખવાનો છે. 

આ સમાચાર શેર કરો