ચૂંટણી પંચે હેકિંગના આરોપો મામલે કહ્યું ‘EVM અનલોક કરવા માટે OTPની જરૂર નથી’
મુંબઈ પોલીસે શિવસેના શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સંબંધી વિરુદ્ધ કેસ

મુંબઈ પોલીસે શિવસેના શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સંબંધી વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ ફરી એકવાર ઈવીએમને લઈને હોબાળો થયો છે. આ મુદ્દે શાસક પક્ષ અને વિરોધ પક્ષના નેતાઓ સામસામે આવી ગયા છે. હવે વિપક્ષી નેતાઓના આરોપો પર ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા આપી તમામ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે EVM અનલોક કરવા માટે OTPની જરૂર નથી.
રિટર્નિંગ ઓફિસર વંદના સૂર્યવંશીએ કહ્યું કે આજે આવેલા સમાચાર અંગે કેટલાક લોકોએ ટ્વિટ કર્યું છે. EVM અનલોક કરવા માટે OTPની જરૂર નથી. EVM ઉપકરણ કોઈની સાથે જોડાયેલ નથી, અખબાર દ્વારા સંપૂર્ણ ખોટા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. EVM એક સ્વતંત્ર સિસ્ટમ છે. સમાચાર સંપૂર્ણપણે ખોટા છે, અમે પેપરને નોટિસ પાઠવી છે. 499 IPC હેઠળ માનહાનિનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.
તેમને વધુમાં કહ્યું કે મેં પેપરના રિપોર્ટરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને IPCની કલમ 505 અને 499 હેઠળ નોટિસ મોકલવામાં આવશે. ગૌરવને જે મોબાઈલ રાખવા દીધો હતો તે મોબાઈલ તેનો જ હતો. પોલીસ તપાસ બાદ આગળ નક્કી કરવામાં આવશે કે અમે આંતરિક તપાસ કરીશું કે નહીં.
શિંદેના સાંસદના કારણે EVM પર ઉઠ્યા સવાલો
વાસ્તવમાં લોકસભા ચૂંટણી દરમિયાન મતગણતરી કેન્દ્રની અંદર મોબાઈલનો ઉપયોગ કરવા મામલે મુંબઈ પોલીસે શિવસેના શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સાળા વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ ઉપરાંત પોલીસે પાંડિલકરને મોબાઈલ આપનાર ચૂંટણી પંચના એક કર્મચારીની સામે પણ કેસ નોંધ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ ગોરેગાંવ ચૂંટણી સેન્ટરની અંદર મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોવા છતાં રવિન્દ્ર વાયકર (Ravindra Vaikar)નો સાળો પાંડિલકરે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. આ મામલે ઉત્તર પશ્ચિમ બેઠક પર ચૂંટણી લડનારા ઉમેદવારો અને ચૂંટણી આયોગ દ્વારા પોલીસને ફરિયાદો મળી હતી, જેના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે. આ બેઠક પર રિકાઉન્ટિંગ થયા બાદ વાયકર માત્ર 48 મતોથી ચૂંટણી જીત્યા હતા, ત્યારબાદ ઘણો વિવાદ પણ થયો હતો.
ચૂંટણી પંચ પાસે ઘટનાસ્થળના CCTV
સૂત્રના જણાવ્યા મુજબ મતગણતરી વખતે જે મોબાઈલમાં OTP જનરેટ થાય છે, તે મોબાઈલ ચૂંટણી અધિકારી ગૌરવના બદલે સાંસદના સંબંધી પાંડિકલકર પાસે હતો અને તે ત્યાં મોબાઈલનો ઉપયોગ કરતો હતો. પોલીસને આશંકા છે કે, જ્યારે કાટાંની ટક્કર ચાલતી હતી, ત્યારે તેણે ફોનનો ઉપયોગ સવારથી સાંજે 4.30 સુધી કર્યો હતો. ચૂંટણી પંચ પાસે ઘટનાસ્થળના સીસીટીવી ફુટેજ પણ છે, જે મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા છે.
તપાસ માટે પોલીસની ત્રણ ટીમ બનાવાઈ
આ કેસની તપાસ કરવા માટે મુંબઈ પોલીસ (Mumbai Police)ને ત્રણ ટીમો બનાવાઈ છે. પોલીસની ટીમ આજે ફૂટેજની તપાસ કરશે. સૌથી મહત્વની વાત, ફોન જપ્ત કર્યા બાદ પોલીસે ફોનની સીડીઆર મેળવી રહી છે અને તમામ મોબાઈલ નંબરોની પણ તપાસ કરી રહી છે.
મોબાઈલ પર કેટલા ઓટીપી આવ્યા?
ફોન જપ્ત કર્યા બાદ પોલીસ જાણવા માંગે છે કે, કોને કોને ફોન કરવામાં આવ્યા અને મોબાઈલ પર કેટલા ઓટીપી આવ્યા? પોલીસે એ પણ જાણવા માંગે છે કે, આ મોબાઈલ પર ફોન આવ્યા હતા કે નહીં? નિયમો મુજબ ઓટીપી જનરેટ થયા બાદ મોબાઈલ આરઓ (રિટર્નિંગ ઓફિસર)ને સોંપવામાં હોય છે. હાલ મોબાઈલ પરત કેમ ન લેવામાં આવ્યો, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ મોબાઈલને ફોરેન્સિંગ લેબમાં મોકલી દેવાયો અને છે અને તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
આદિત્ય અને અખિલેશે ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન
આ ઘટના સામે આવ્યા બાદ શિવસેના યુબીટી (Shiv Sena UBT)ના નેતા આદિત્ય ઠાકરે (Aditya Thackeray)એ ચૂંટણી પંચ પર નિશાન સાધી કહ્યું છે કે, ECનો નવો અર્થ ‘Entirely Compromised (સંપૂર્ણપણે સમાધાન)’ છે, ચૂંટણી પંચ નહીં. જ્યારે સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) કહ્યું કે, ‘ટેકનોલોજીનો ઉપયોગ સમસ્યાઓ દુર કરવા માટે થાય છે, જો તે મુશ્કેલી બની જાય, તો તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. આજે વિશ્વભરના ઘણા દેશોમાં ઈવીએમમાં ગડબડી અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને જાણિતા ટેકનોલોજી નિષ્ણાતો ઈવીએમમાં હેરાફેરીના ખતરા અંગે જાહેરમાં લખી રહ્યા છે. જો આવું જ હોય તો ઈવીએમનો ઉપયોગ કરવાની જીદ કેમ કરવામાં આવી રહી છે? ભાજપ આ અંગે સ્પષ્ટ જવાબ આપે. અમે ફરી માંગ કરી રહ્યા છે કે, આગામી તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી કરવામાં આવે.’
કોંગ્રેસે પણ ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસે (Congress) પણ ઘટના અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ સેર કરી છે. કોંગ્રેસે એક્સ પર લખ્યું છે કે, ‘ઈવીએમ સંબંધીત વધુ એક મામલો સામે આવ્યો છે. મુંબઈમાં એનડીએના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના સંબંધીનો મોબાઈલ ફોન EVM સાથે જોડાયેલો હતો. વાયકરની માત્ર 48 મતોથી જીત થઈ છે. આવી સ્થિતિમાં એવો સવાલ થાય છે કે, આખરે એનડીએના ઉમેદવારના સંબંધીનો મોબાઈલ ઈવીએમ સાથે કેમ જોડાયેલો હતો? જ્યાં મતગણતરી ચાલી રહી હતી, ત્યાં મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યો? શંકા ઉભી કરનારા પ્રશ્નો ઘણા છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરવી જોઈએ.’
રાહુલ ગાંધીએ પણ આપી પ્રતિક્રિયા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પણ ઘટનાને ગંભીર ગણાવી કહ્યું છે કે, ‘ભારતમાં ઈવીએમ એક બ્લેક બૉક્સ છે અને તેની તપાસ કરવાની કોઈને પણ મંજૂરી નથી. આપણી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે ઘણી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સંસ્થાઓમાં જવાબદારીના અભાવના કારણે લોકશાહી એક દેખાડો બની જાય છે અને છેતરપિંડીની સંભાવના વધી જાય છે.’
'EVM હેક થઇ શકે, તેનો ઉપયોગ બંધ કરો..' મસ્કનો દાવો
ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) ઈલોન મસ્કે ઈવીએમ અંગે એક મોટો દાવો કરીને આખી દુનિયાને ચોંકાવી હતી. તેમણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) વિશે કહ્યું કે તે હેક થઈ શકે છે અને તેનો ઉપયોગ જ બંધ કરીને ઈવીએમ ખતમ કરી દેવા જોઈએ. આ સાથે તેમણે અમેરિકન ચૂંટણીમાંથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને હટાવવાની માંગ કરી હતી. સ્પેસ એક્સના સીઈઓ ઈલોન મસ્કે આ ટિપ્પણી અમેરિકન રાષ્ટ્રપતિ પદ માટે અપક્ષ ઉમેદવાર રોબર્ટ એફ કેનેડી જુનિયર દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટ પર જવાબરૂપે કરવામાં આવી હતી.
મસ્કે કોની પોસ્ટનો આપ્યો જવાબ....
ખરેખર તો કેનેડી જુનિયરે તેમની પોસ્ટમાં પ્યુર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીઓમાં EVM સંબંધિત કથિત મતદાનમાં થયેલી ગેરરીતિઓ વિશે ચર્ચા કરી હતી. તેમણે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્યુર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીમાં ઈવીએમ સંબંધિત સેંકડો ગેરરીતિ પકડાઈ. સૌભાગ્યથી ત્યાં એક પેપર ટ્રેલ હતું એટલા માટે સમસ્યા ઓળખી જવાઈ અને મતની ગણતરી યોગ્ય રીતે થઇ. વિચારો એ ક્ષેત્રોમાં શું થતું હશે જ્યાં કોઈ પેપર ટ્રેલ નથી? અમેરિકન નાગરિકોએ એ જાણવું જરૂરી છે કે તેમના દરેક વોટની ગણતરી થઇ છે અને તેમની ચૂંટણી એકદમ પારદર્શક રીતે સંપન્ન થઇ છે.
EVM હેક ન થઈ શકે : રાજીવ ચંદ્રશેખર
ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એલન મસ્કના નિવેદન પર વળતો પ્રહાર કરી કહ્યું હતું કે, ઈવીએમ હેક ન થઈ શકે. તેમના નિવેદનમાં કોઈ સત્યતા નથી. તેઓએ ભારત આવીને કંઈક શીખવું જોઈએ. ચંદ્રશેખરે ઈવીએમની તમામ યોગ્યતાઓ જણાવી. તેમણે કહ્યું કે મસ્કનો અર્થ એ છે કે કોઈ પણ સુરક્ષિત ડિજિટલ હાર્ડવેર બનાવી શકતું નથી. તેમની વિચારસરણી ખોટી છે.







