હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા સમીકરણ બદલાયા,કોંગ્રેસનું સમર્થન કરશે દુષ્યંત ચૌટાલા!
વિધાનસભા ચૂંટણી પહેલા હરિયાણામાં રાજકીય સમીકરણ ઝડપથી બદલાતા જઇ રહ્યાં છે. હરિયાણાના પૂર્વ ન

વિધાનસભા ચૂંટણી પહેલા હરિયાણામાં રાજકીય સમીકરણ ઝડપથી બદલાતા જઇ રહ્યાં છે. હરિયાણાના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને JJPના નેતા દુષ્યંત ચૌટાલાએ પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો છે કે તેમની પાર્ટી હવે ભાજપ સાથે ગઠબંધન નહીં કરે. દુષ્યંત ચૌટાલાએ તેની શરૂઆત હરિયાણાની એક રાજ્યસભા બેઠક પર ચૂંટણી સાથે કરી છે. લોકસભા ચૂંટણીમાં અલગ રસ્તો અપનાવ્યા બાદ હવે આ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી આ બેઠક માટે કોંગ્રેસને સમર્થન આપવા તૈયાર છે.
જોકે, દુષ્યંત ચૌટાલાએ કોંગ્રેસ સામે એક શરત પણ મુકી છે. દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે કોંગ્રેસ જો રાજ્યના કોઇ જાણીતા વ્યક્તિ, કૉમનવેલ્થ અથવા ઓલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ ખેલાડીને રાજ્યસભા ચૂંટણી માટે સંયુક્ત ઉમેદવાર બનાવે તો પાર્ટી સમર્થન આપવા તૈયાર છે.
ભાજપ સાથે જવાનું કોઇ કારણ નથી- દુષ્યંત ચૌટાલા
દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે હવે ભાજપ સાથે જવાનું કોઇ કારણ જ નથી. દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, ભાજપ સાથે જવાથી તેમની પાર્ટીને ઘણુ નુકસાન થયું છે. દુષ્યંત ચૌટાલાએ એમ પણ કહ્યું કે તેમની પાર્ટી નવેસરથી રાજ્યમાં પોતાનો જનાધાર તૈયાર કરશે. દુષ્યંત ચૌટાલાએ જાહેરાત કરી છે કે હરિયાણાના તમામ 22 જિલ્લામાં તેમની પાર્ટીના કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા માટે જલદી રણનીતિ પર કામ કરશે.
પેપર લીક પર પણ દુષ્યંત ચૌટાલાનો હુમલો
દુષ્યંત ચૌટાલા હરિયાણાની સરકાર પર સતત પ્રહાર કરી રહ્યાં છે, તેમને રાજ્યની કાયદા વ્યવસ્થાને લઇને નીટ પેપર લીકને લઇને પણ ભાજપ પર પ્રહાર કર્યા છે.
હરિયાણામાં કેમ ભાજપ-JJPનું ગઠબંધન તૂટ્યું?
હરિયાણામાં સાડા ચાર વર્ષ સુધી સરકાર ચલાવ્યા બાદ ભાજપ અને JJPનો સંબંધ લોકસભા ચૂંટણી પહેલા ગત માર્ચમાં જ તૂટી ગયું હતું. મનોહરલાલ ખટ્ટરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તે બાદ નાયબ સિંહ સૈની રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા હતા. આ ઘટનાક્રમ બાદ હરિયાણામાં ભાજપ-JJPનો સંબંધ તૂટી ગયો હતો અને દુષ્યંત ચૌટાલાએ નાયબ મુખ્યમંત્રી પદ ગુમાવવું પડ્યું હતું. બાદમાં તેમને કહ્યું હતું કે ભાજપ અને જેજેપી વચ્ચે સીટ શેરિંગને લઇને સમજૂતિ થઇ શકી નહતી.







