Video: દેશના 6 રાજ્યોમાં દુષ્કાળ, દક્ષિણ ભારતના જળાશયોમાં માત્ર 38 ટકા પાણી બચ્યું...!

સોર્સ: gstv

પાણીની અછત હવે માત્ર કાગળ પરની ચેતવણી નથી, પરંતુ દેશના ૪૬.૬ ટકા વિસ્તાર માટે ગંભીર વાસ્તવિકતા બની ગઈ છે. સરકારના આંકડાઓનું ચિત્ર તો સ્પષ્ટ છે કે ઓછા વરસાદથી જળાશયો ખાલી ખમ છે અને દુષ્કાળની ચિંતા વધુ ખતરનાક બની છે. વિકાસના દાવાઓ વચ્ચે જળસંકટ એક ગંભીર સવાલ છે..

આઈઆઈટી ગાંધીનગરના મોનિટર અનુસાર, 18 નવેમ્બરે દેશના 47.2 ટકા વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિ હતી, જે 25 નવેમ્બર સુધી ઘટીને 46.6 ટકા થઈ હતી. જોકે, આ ઘટાડો રાહતનો સંકેત આપતો હોવા છતાં સ્થિતિ ગંભીર છે. આઈઆઈટી બોમ્બેના અનુમાન મુજબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ મધ્ય પ્રદેશ, તેલંગાણા અને દક્ષિણ-પશ્ચિમ આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ યથાવત્ રહેવાની આશંકા છે. બીજી તરફ, કેન્દ્રીય જળ આયોગની 26 નવેમ્બરે જાહેર થયેલી સાપ્તાહિક રિપોર્ટ મુજબ, દેશના 178 મુખ્ય જળાશયોમાં માત્ર 111.209 અબજ ઘનમીટર પાણી બચ્યું છે. આ જળાશયોની કુલ ક્ષમતા 60.19 ટકા જેટલી છે. પાણીનો આ જથ્થો છેલ્લા દસ વર્ષના સામાન્ય સરેરાશ સ્તર કરતાં 21 ટકા અને ગયા વર્ષની સમાન અવધિ કરતાં 31.64 ટકા ઓછો છે. દક્ષિણ ભારતના જળાશયોમાં તેમની ક્ષમતાના માત્ર 38 ટકા પાણી છે, જ્યારે ઉત્તર ભારતમાં જળસ્તર સામાન્ય કરતાં 27 ટકા નીચે છે.

જાહેરાત

દેશના છ રાજ્યોમાં સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે. કર્ણાટકના 217 તાલુકા, મહારાષ્ટ્રના 305 તાલુકા અને આંધ્ર પ્રદેશના 412 મંડળોમાં દુષ્કાળની જાહેરાત થઈ છે. તેલંગાણાના 31 જિલ્લાઓના 365 મંડળો તથા રાજસ્થાનના 14 જિલ્લાઓની 80 તહેસીલોમાં પણ દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિત ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે પાણીની અછત હવે માત્ર કોઈ એક વિસ્તારની સમસ્યા રહી નથી, પરંતુ અનેક રાજ્યો માટે ગંભીર પડકાર બની છે.

કર્ણાટકમાં ચોમાસાની વરસાદી ખાધ સામાન્ય કરતાં 35 ટકા રહી છે, જે છેલ્લા 55 વર્ષમાં સૌથી મોટી ઘટ હોવાનું જણાવાયું છે. મહારાષ્ટ્રમાં 19 ટકા અને તેલંગાણામાં 17 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. છેલ્લા બે અઠવાડિયાથી જળાશયોમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે. વરસાદ પછી સિંચાઈ અને પીવાના પાણી માટે જળાશયોમાંથી પાણી કાઢવામાં આવે છે, પરંતુ આ વખતે સામાન્ય કરતાં ઘટાડો વધુ ઊંડો છે. ઓછો વરસાદ અને સતત પાણીની ઉપાડે સ્થિતિને વધુ વિકટ બનાવી છે. 4 નવેમ્બર સુધી દેશના 735 જિલ્લાઓમાંથી 59 ટકા જિલ્લાઓમાં ચોમાસા પછીનો વરસાદ સામાન્ય કરતાં ઓછો હતો. ચોમાસા દરમિયાન પણ દેશભરમાં 13 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત