CJP નેતા સૌરવ દાસના દાવાથી સરકારનું ટેન્શન વધ્યું, કંઈક નવા જૂની થશે!

CJP નેતા સૌરવ દાસના દાવાથી સરકારનું ટેન્શન વધ્યું, કંઈક નવા જૂની થશે!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે આંદોલન ચલાવનારી કોકરોચ જનતા પાર્ટી (CJP) ફરી સક્રિય થવાની તૈયારીમાં છે? છેલ્લા કેટલાક સમયથી પાર્ટીનું આંદોલન શાંત પડ્યું છે ત્યારે તેના સહ-સંયોજક સૌરભ દાસે ટૂંક સમયમાં મોટું આંદોલન શરૂ કરવાનો સંકેત આપ્યો છે. તેમણે દાવો કર્યો છે કે દેશમાં ટૂંક સમયમાં તોફાન આવવાનું છે, જે સરકારને સત્તા પરથી હટાવી દેશે. આ તોફાન મહાત્મા ગાંધી અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના સિદ્ધાંતો પર આધારિત હશે.

‘ટૂંક સમયમાં તોફાન આવશે, સૌએ તૈયારી રાખવી’

જાહેરાત

એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સૌરભ દાસને પૂછવામાં આવ્યું હતું કે જ્ઞાનેશ કુમાર સામે CJPનું આંદોલન કેમ શાંત પડી ગયું છે? સોશિયલ મીડિયા પર પણ લોકો પાર્ટીના આંદોલન ઠંડા પડી ગયાની ચર્ચા કરી રહ્યા છે. આ સવાલના જવાબમાં સૌરભ દાસે કહ્યું હતું કે તેમને એવું લાગતું નથી કે લોકો આંદોલનને શાંત પડી ગયેલું માને છે. લોકો સમજી રહ્યા છે કે સંગઠન ફરી નવી રણનીતિ બનાવી રહ્યું છે. તેમણે કહ્યું, 'તોફાન આવવાનું છે, ખૂબ જલદી તોફાન આવવાનું છે. સૌએ તેની તૈયારી રાખવી જોઈએ. આ તોફાન ગાંધી-આંબેડકરના સિદ્ધાંતો પર આધારિત હશે. આ જ તોફાન સરકારને ડૂબાડી દેશે.' સૌરભ દાસે સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે દેશની રાજનીતિનું સ્તર કથળી રહ્યું છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મહાત્મા ગાંધી વિશે વાત કરવા માટે વિદેશ જવા માગતા શિક્ષિત યુવાનોને પણ રોકવામાં આવી રહ્યા છે.

દિવાળી પછી પણ CJPનું આંદોલન ફરી શરૂ થયું નથી

CJPએ અગાઉ જાહેર કર્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા સુધી આંદોલન ચાલુ રહેશે. જોકે, ઓક્ટોબરમાં સૌરભ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડ બાદ પાર્ટીના પ્રમુખ અભિજિત દીપકેએ સમર્થકોને દિવાળી સુધી ઘરે જઈ પરિવાર સાથે સમય પસાર કરવા જણાવ્યું હતું. દિવાળી બાદ પણ આંદોલન ફરી શરૂ થયું નથી. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે તેઓ નવી રણનીતિ તૈયાર કરી રહ્યા છે અને સંગઠનના વિસ્તરણ પર કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જૂન-જુલાઈમાં NEET પેપર લીકના મુદ્દે CJPએ આંદોલન કર્યું હતું. આ આંદોલનને કારણે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રીના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હોવાનો પાર્ટીનો દાવો છે.

પાસપોર્ટ વિવાદમાં પણ ઘેરાયા છે સૌરભ દાસ

સૌરભ દાસ હાલ પોતાના પાસપોર્ટ અને નાગરિકતાને લઈને પણ વિવાદમાં છે. ચેન્નઈની રિજનલ પાસપોર્ટ ઓફિસે તેમને કારણદર્શક નોટિસ પાઠવી છે. નોટિસમાં જન્મસ્થળ અંગે વિસંગતતાઓ હોવાની ફરિયાદ મળ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે આ વિસંગતતાઓની અસર સૌરભ દાસની નાગરિકતા પર પણ પડી શકે છે. જોકે, સૌરભ દાસે ઇન્ટરવ્યૂમાં આ આરોપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે દિલ્હી અથવા પુડુચેરીમાં જન્મસ્થળ અંગે કોઈ વિસંગતતા હોય તો પણ તે એટલી ગંભીર બાબત નથી કે તેના આધારે પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવે. આમ, એક તરફ CJP ફરી આંદોલન શરૂ કરવાની તૈયારી કરી રહી હોવાનો સંકેત આપી રહ્યા છે, તો બીજી તરફ સૌરભ દાસ પોતે પાસપોર્ટ અને નાગરિકતાના વિવાદનો સામનો કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત