ડ્રાઇવિંગ લાઈસન્સ ટેસ્ટમાં હવે 75 ટકા માર્ક્સ ફરજિયાત,નિયમોમાં ફેરબદલની તૈયારી

કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) મેળવવા અને તેમાં સુધારા કરાવવાની પ્રક્રિયામાં મોટા ફેરફારો કરવાની દરખાસ્ત રજૂ કરી છે. માર્ગ પરિવહન મંત્રાલયે મોટર વાહન નિયમોમાં સુધારા માટે મુસદ્દો જાહેર કર્યો છે. તેમાં ભારતીય અને વિદેશી નાગરિકો માટે અલગ રંગનાં ડ્રાઇવિંગ લાઇસન્સ, લાઇસન્સધારકની નાગરિકતાનો ઉલ્લેખ, બ્લડ ગ્રુપ અને ઇમરજન્સી સંપર્કની વિગતો ફરજિયાત કરવા સહિતની જોગવાઈઓ સામેલ છે. જોકે, આ ફેરફારો હાલ દરખાસ્તના તબક્કામાં છે.
ભારતીયો અને વિદેશીઓ માટે અલગ રંગનાં લાઇસન્સ
મુસદ્દા મુજબ, ડ્રાઇવિંગ લાઇસન્સ પર ધારકની નાગરિકતાનો ઉલ્લેખ કરવાની અને ભારતીયો તથા વિદેશી નાગરિકો માટે અલગ રંગની પદ્ધતિ દાખલ કરવાની દરખાસ્ત છે. આ ઉપરાંત લાઇસન્સમાં બ્લડ ગ્રુપ, મોબાઇલ નંબર અને કટોકટીના સમયે સંપર્ક કરી શકાય તેવી વ્યક્તિની વિગતો ફરજિયાત કરવાની જોગવાઈ પણ સૂચવવામાં આવી છે.
ઉંમર અને સરનામાના પુરાવા માટે એફિડેવિટ નહીં ચાલે
હાલના નિયમો હેઠળ માન્ય દસ્તાવેજો રજૂ કરવામાં અસમર્થ અરજદારો ઉંમર અને સરનામાના પુરાવા તરીકે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ન્યાયિક મેજિસ્ટ્રેટ અથવા નોટરી સમક્ષ કરેલું સોગંદનામું રજૂ કરી શકે છે. નવી દરખાસ્તમાં આ વિકલ્પ દૂર કરવાની જોગવાઈ છે. જીવન વીમાની પૉલિસીને પણ પુરાવા તરીકે સ્વીકારવામાં નહીં આવે. સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, ઇ-રેશન કાર્ડ તથા અગાઉના ત્રણ મહિનાનાં વીજળી કે ગૅસનાં બિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદેશી નાગરિકોએ ભારતમાં કાયદેસર રીતે રહેતા હોવાનો પુરાવો આપવાનો રહેશે. ઉંમરના પુરાવા તરીકે પાસપોર્ટ, શાળાની બોર્ડની માર્કશીટ, જન્મ પ્રમાણપત્ર અને સરકારી વિભાગ દ્વારા અપાયેલાં ઓળખપત્રો સ્વીકારવાની દરખાસ્ત છે. ઓળખના પુરાવા તરીકે આધાર, પાસપોર્ટ, ઇ-રેશન કાર્ડ અને પાન કાર્ડનો સમાવેશ થાય છે.
ઓનલાઇન પરીક્ષામાં 75% ગુણ મેળવવા પડશે
સલામત વાહન ચલાવવા અંગેના ઓનલાઇન ટ્યુટોરિયલની કસોટીમાં પાસ થવા માટેના લઘુતમ ગુણ 60 થી વધારીને 75 કરવાની દરખાસ્ત છે. ઉપરાંત આ ટ્યુટોરિયલ ઓછામાં ઓછું 30 મિનિટનું હોવું જોઈએ.
ઓનલાઇન સેવાઓ માટે ફીમાં છૂટ
આધાર આધારિત ઓનલાઇન ચકાસણી દ્વારા અરજી કરનારા લોકોને લાઇસન્સમાં સરનામું, નામ અને સંપર્ક નંબર બદલવા જેવી નિર્ધારિત સેવાઓ માટે ફીમાંથી મુક્તિ આપવાની દરખાસ્ત છે. લાઇસન્સની વિગતોમાં ફેરફાર માટેની ઓનલાઇન અરજી 15 દિવસમાં મંજૂર અથવા નામંજૂર કરવાની રહેશે. અરજી નામંજૂર કરવામાં આવે તો તેનું કારણ જણાવવું પડશે. સરનામું બદલવાની અરજી 30 દિવસ સુધી નિર્ણય વિના બાકી રહે તો તેને મંજૂર ગણવાની પણ દરખાસ્ત છે. આ ઉપરાંત લાઇસન્સ રિન્યુઅલ, ડુપ્લિકેટ લાઇસન્સ, વાહનનો નવો વર્ગ ઉમેરવા અને વ્યક્તિગત વિગતોમાં ફેરફાર જેવી સેવાઓ માટે એક સંકલિત અરજીપત્રક રજૂ કરવાનું સૂચવાયું છે. ઉપલબ્ધ વિગતો સારથી પોર્ટલ પરથી ઇલેક્ટ્રોનિક રીતે મેળવવાની જોગવાઈ પણ સામેલ છે.









