UP: CM યોગી આકરા પાણીએ, પેટાચૂંટણીની સમિતિમાંથી નાયબ મુખ્યમંત્રી મૌર્યની બાદબાકી કરી
ઉત્તર પ્રદેશના રાજકરણમાં રવિવારથી જે રીતે ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે તેના ઉપરથી લાગી

ઉત્તર પ્રદેશના રાજકરણમાં રવિવારથી જે રીતે ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે તેના ઉપરથી લાગી રહ્યું હતું કે સરકાર અને સંગઠન બન્નેમાં ધરખમ ફેરફાર આવશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને મતના હિસ્સામાં આઠ ટકા અને ૨૦૧૯ સામે ૨૯ બેઠકોના નુકસાનના કારણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પદ ઉપરથી હટાવવામાં આવશે એવી અટકળો પણ હિન્દીભાષી ટીવી ચેનલો ઉપર જોવા મળી હતી. બુધવારે દેશની રાજધાની દિલ્હી અને રાજ્યના પાટનગર લખનઉમાં શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી. છેલ્લે સગઠન સર્વોપરી, સરકાર નહી એવી જાહેરાત કરનાર પ્રદેશ પ્રમુખ ભુપેન્દ્ર ચૌધરીએ જવાબદારી સ્વીકારી રાજીનામું આપવા સુધી વાત પહોંચી છે.
યોગી આદિત્યનાથની સરકારની કામગીરીથી પ્રજા નારાજ
પરિણામ પછી યોગી આદિત્યનાથની સરકારની કામગીરીથી પ્રજા નારાજ હોવાથી તેમને બદલવા જોઈએ એવી માંગ ઉઠી રહી હતી. નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ કોઈના ઈશારે યોગીને હટાવવાની મુહિમ શરુ કરી હોવાનું માનવામાં આવે છે. આ અભિયાનમાં ચૌધરી પણ જોડાયા હતા. જોકે, ૨૦૧૭થી રાજ્યના મુખ્યમંત્રી રહેલા યોગી આદિત્યનાથ એક્શનમાં આવતા વિરોધીઓ અત્યારે સ્તબ્ધ થઇ ગયા છે.
સૌથી મહત્વનું છે કે આ ઘટનાક્રમ એવા સમયે થઇ રહ્યો છે જ્યારે ઉત્તર પ્રદેશમાં ૧૦ વિધાનસભા બેઠકો ઉપર પેટાચૂંટણી થવા જઈ રહી છે. આ બેઠકોમાં ભાજપનો દેખાવ નબળો રહે, કોંગ્રેેસ કે સપા ગઠબંધન કરી ફરીએકવાર ભાજપને પરાસ્ત કરે તો સ્થિતિ વધુ વણસી શકે છે. જોકે, મુખ્યમંત્રી યોગીએ અત્યારે સમગ્ર ઘટનાનો દોર પોતાના હાથમાં લઇ લીધો છે.
તેમણે કેબીનેટ બેઠક બોલાવી અને આ પેટાચૂંટણી માટે તેમણે ૩૦ સભ્યોની એક સમિતિની રચના કરી હતી. મોટાભાગના મંત્રીઓને સાથે રાખ્યા છે પણ નાયબ મુખ્યમંત્રીને આ સમિતિમાં સ્થાન નથી આપવામાં આવ્યું. આ સ્પષ્ટ કરે છે કે પોતાની સામે મોરચો માંડનાર મૌર્યથી યોગી નારાજ છે. આ પછી તરત જ રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે બેઠક કરી. આ બેઠક બાદ એવી ચર્ચા શરૂ થઇ કે યોગી કેટલાક મંત્રીઓને પડતા મૂકવાની તૈયારી કરી રહ્યા છે.






