CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ ઉગ્ર બની, કોકરોચ જનતા પાર્ટીની દેશવ્યાપી આંદોલનની ચિમકી

કોકરોચ જનતા પાર્ટી (CJP)એ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. CJPના પ્રમુખ અભિજીત દીપકેએ ગુરુવારે દિલ્હીમાં જાહેરાત કરી કે જો જ્ઞાનેશ કુમારે 48 કલાકમાં રાજીનામું નહીં આપ્યું તો સમગ્ર દેશમાં ચૂંટણી પંચ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવશે. ત્યારબાદ દિલ્હીમાં ‘જંતર-મંતર 2.0’ પણ શરૂ કરવામાં આવશે.
CJPએ ચૂંટણી પંચ અને સરકાર સમક્ષ ત્રણ માંગણીઓ રજૂ કરી છે. CJPના રાષ્ટ્રીય સંયોજક અભિજીત દીપકે તથા બે સહ-સંયોજક સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્ઞાનેશ કુમાર, ભાજપ, કેન્દ્ર સરકાર તેમજ સુપ્રીમ કોર્ટ અંગે પણ આક્ષેપો કર્યા હતા.
CJPની 3 મુખ્ય માંગણીઓ
1. જ્ઞાનેશ કુમારનું રાજીનામું:
જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું જોઈએ અને તેમની સામે તાત્કાલિક ફોજદારી કેસ દાખલ કરવામાં આવે. તેમને કયા વ્યક્તિ અથવા તંત્ર તરફથી આદેશ આપવામાં આવતા હતા તેની તપાસ થવી જોઈએ.
2. તમામ આગામી ચૂંટણીઓ પર રોક:
આગામી તમામ ચૂંટણીઓ તાત્કાલિક અસરથી રોકવામાં આવે. જાન્યુઆરી 2024ની મતદાર યાદી પુનઃસ્થાપિત કરવામાં આવે અને SIR પ્રક્રિયા રોકવામાં આવે. સુપ્રીમ કોર્ટે SIR સાથે જોડાયેલી તમામ ફાઇલો જપ્ત કરવી જોઈએ.
3. 2023નો કાયદો રદ કરવાની માંગ:
ચૂંટણી કમિશનરોને કાનૂની કાર્યવાહીથી સુરક્ષા આપતા 2023ના કાયદાને પરત ખેંચવામાં આવે અને નવો કાયદો બનાવવામાં આવે, જેમાં સિવિલ સોસાયટીની ભાગીદારી હોય.
48 કલાકનું અલ્ટિમેટમ, રાજીનામું નહીં આપે તો દેશવ્યાપી આંદોલન
અભિજીત દીપકેએ જણાવ્યું કે જો 48 કલાકમાં જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે તો કોકરોચ જનતા પાર્ટી દેશવ્યાપી આંદોલન શરૂ કરશે. ત્યારબાદ દિલ્હીમાં પણ આંદોલન કરવામાં આવશે અને જ્ઞાનેશ કુમાર રાજીનામું ન આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની વાત તેમણે કરી હતી.
દીપકેએ કહ્યું કે, “અમે તમામ રાજ્યોના તમામ શહેરોમાં જઈશું અને લોકોને જાગૃત કરીશું. જંતર-મંતર આંદોલન પહેલાં જે રીતે અમે દેશભરમાં ગયા હતા, તેવી જ રીતે જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પણ દેશભરમાં જઈશું.”
તેમણે દાવો કર્યો કે લોકોમાં ચૂંટણીમાં ગેરરીતિ અને મતની ચોરી અંગે પહેલેથી જ રોષ છે. બાદમાં સવાલોના જવાબ આપતાં તેમણે દિલ્હીમાં ‘જંતર-મંતર 2.0’ આંદોલન કરવાની વાત પણ કરી હતી.
અભિજીત દીપકેએ જ્ઞાનેશ કુમારને ‘દેશનો સૌથી મોટો ગદ્દાર’ ગણાવ્યા
અભિજીત દીપકેએ કહ્યું કે, “જે રિપોર્ટ સામે આવ્યો છે, તેનાથી સાબિત થાય છે કે મુખ્ય ચૂંટણી કમિશનર દેશના સૌથી મોટા ગદ્દાર છે. તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. તેઓ લોકશાહી માટે સૌથી મોટો ખતરો છે.” તેમણે આરોપ લગાવ્યો કે જ્ઞાનેશ કુમાર CEC બન્યા ત્યારથી સરકાર નક્કી કરી રહી છે કે કોણ મત આપશે અને કોણ નહીં.
‘ભાજપના અસલી હીરો જ્ઞાનેશ કુમાર’: દીપકે
દીપકેએ જ્ઞાનેશ કુમાર પર આરોપ લગાવતા કહ્યું કે તેમના CEC બન્યા બાદ હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપની મત ટકાવારીમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે ભાજપ નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી જીતી રહી નથી, પરંતુ “ભાજપના અસલી હીરો જ્ઞાનેશ કુમાર છે.”

