મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'અમે ચૂંટણી પંચને આદેશ ના આપી શકીએ,'PM MODI વિરુદ્ધની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવતા કહી આ વાત

દિલ્હી હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે.આ જાહેર હિત

'અમે ચૂંટણી પંચને આદેશ ના આપી શકીએ,'PM MODI વિરુદ્ધની અરજીને  દિલ્હી હાઈકોર્ટે ફગાવતા કહી આ વાત

દિલ્હી હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે.આ જાહેર હિતની અરજીમાં આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ પીએમ મોદી પર 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી.આ અરજીને ફગાવી દેતાં હાઈકોર્ટે કહ્યું કે, ચૂંટણી પંચને આદેશ આપી શકાય નહીં કે તેમણે કેવી રીતે કામ કરવું જોઈએ. અરજીકર્તાએ પીએમ મોદી પર દેવી-દેવતાઓના નામ પર વોટ માંગવાનો આરોપ લગાવ્યો હતો. જસ્ટિસ સચિન દત્તાએ કહ્યું કે, અરજી સંપૂર્ણપણે ખોટી છે. અમે ચૂંટણી પંચને કોઈ ચોક્કસ રીતે કામ કરવાનો નિર્દેશ ના આપી શકીએ. 

કોર્ટે ચૂંટણી પંચની દલીલની પણ નોંધ લીધી, જેમાં અરજદારની અપીલ બાબતે નિર્ણય લેવાની વાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચ વતી એડવોકેટ સિદ્ધાંત કુમારે કહ્યું કે ચૂંટણી પંચને દરરોજ આવી અરજીઓ મળતી રહે છે. આ બાબતે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જણાવી દઈએ કે, આ અરજી વ્યવસાયે વકીલ આનંદ એસ જોંધલે વતી દાખલ કરવામાં આવી હતી. તેમણે કોર્ટ પાસે માંગણી કરી હતી કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ  પીએમ મોદીને 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર રોક લગાવવાનો તેઓ ચૂંટણી પંચને આદેશ આપે.   

અરજીમાં પીએમ મોદી દ્વારા 9 એપ્રિલે પીલીભીતમાં આપેલા ભાષણને ટાંકીને તેમના પર આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અરજદારે કહ્યું હતું કે પીએમ મોદીએ માત્ર હિન્દુ અને શીખ દેવી-દેવતાઓ અને તેમના ધર્મસ્થાનોના નામે વોટ માંગ્યા નથી, પરંતુ વિરોધ પક્ષો પર મુસ્લિમોની તરફેણ કરવાનો આરોપ લગાવતા નિવેદનો પણ આપ્યા છે.

અરજદારે કહ્યું હતું કે તેમણે આ અંગે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરીને અપીલ કરી હતી કે, પીએમની વિરુદ્ધ IPCની કલમ 153A હેઠળ એફઆઈઆર નોંધવામાં આવે. આ સાથે તેમને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવે, પરંતુ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આ સમાચાર શેર કરો