મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર; 5 ફેબ્રુઆરીએ વોટિંગ, 8 ફેબ્રુઆરીએ પરિણામ

આ વખતે દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ વખ

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર; 5 ફેબ્રુઆરીએ વોટિંગ, 8 ફેબ્રુઆરીએ પરિણામ

આ વખતે દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ વખતે દિલ્હીની ચૂંટણીમાં કુલ 1.55 કરોડથી વધુ મતદારો હશે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 83,49,645 છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા 71,73,952 છે. જ્યારે ત્રીજા લિંગની સંખ્યા 1,261 છે.

આ વખતે પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળશે.

દિલ્હીમાં ક્યારે મતદાન થશે અને ક્યારે પરિણામ આવશે

દિલ્હીની 70 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને પરિણામ 8 ફેબ્રુઆરીએ આવશે.

દિલ્હીમાં સીએમ આતિષીની સામે રમેશ બિધુરી

દિલ્હીની કાલકાજી સીટ પરથી ભાજપના રમેશ બિધુરી છે. આ સીટ પર તેમનો મુકાબલો આમ આદમી પાર્ટીના આતિશી સાથે થશે. 2020ની ચૂંટણીમાં આતિશી પહેલીવાર આ સીટ પરથી જીતી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે શનિવારે 29 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.

છેલ્લી વખત જાહેરાત 6ઠ્ઠી જાન્યુઆરીએ કરવામાં આવી હતી

દિલ્હીમાં 2020ની વિધાનસભા ચૂંટણીની તારીખો 6 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવી હતી. દિલ્હીની તમામ 70 સીટો માટે 14 જાન્યુઆરીએ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. છેલ્લે 8 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, જ્યારે પરિણામ 11 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યું હતું. 16 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

સતત બે વખત આમ આદમી પાર્ટીએ રચ્યો ઈતિહાસ 

દિલ્હીમાં છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પ્રચંડ વિજય થયો હતો. 2015માં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠકો જીતી હતી. 2020ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 62 બેઠકો પર જીત હાંસલ થઈ હતી, જ્યારે ભાજપના ખાતામાં માત્ર આઠ બેઠકો ગઈ હતી. છેલ્લી બંને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 70માંથી એક પણ બેઠક પર સફળતા મળી નથી. 

દિલ્હીમાં 1993માં પહેલીવાર થઈ ચૂંટણી

દિલ્હી વિધાનસભાના ગઠન બાદ 1993માં પહેલીવાર ચૂંટણી યોજાઇ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીત મળી હતી. જોકે પાંચ વર્ષમાં ભાજપે ત્રણ વખત મુખ્યમંત્રી બદલવા પડ્યા. મદનલાલ ખુરાનાએ કૌભાંડના આરોપમાં ખુરશી ગુમાવી, સાહિબ સિંહ વર્માએ મોંઘવારીના કારણે રાજીનામું આપ્યું જ્યારે સુષ્મા સ્વરાજ માત્ર બે જ મહિના મુખ્યમંત્રી રહી શક્યા. 

49 દિવસની સરકાર 

1998ની ચૂંટીમાં કોંગ્રેસનો વિજય થયો અને શીલા દીક્ષિતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. 1998થી 2013 સુધી શીલા દીક્ષિત જ દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા. જોકે 2013ની ચૂંટણીમાં 70માંથી 32 બેઠકો સાથે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો પણ બહુમતી ન મળી. એવામાં 28 બેઠકો સાથે આમ આદમી પાર્ટીએ સાત બેઠકો ધરાવતી કોંગ્રેસના ટેકા સાથે સરકાર બનાવી. 

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર માત્ર 49 દિવસ જ ચાલી શકી હતી. કેજરીવાલના રાજીનામાં બાદ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું અને 2015માં ફરી ચૂંટણી યોજાઇ હતી.

આ સમાચાર શેર કરો