તેજસની ડિલિવરીમાં વિલંબ, વાયુસેનાની મુશ્કેલી વધી! દર વર્ષે 36-40 નવા ફાઈટર જેટની જરૂર

ભારતીય વાયુસેનામાં (Indian Air Force) લડાકુ વિમાનોની સંખ્યા ઘટી રહી છે ત્યારે તેજસ (Tejas) વિમાનોની ડિલિવરીમાં થઈ રહેલા વિલંબને લઈને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે વિમાનોની સમયસર ડિલિવરી ન થવાથી વાયુસેનાને નુકસાન થઈ રહ્યું છે. હાલની સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી કેટલાક વર્ષો સુધી દર વર્ષે ઓછામાં ઓછા 36થી 40 નવા લડાકુ વિમાનો સામેલ કરવાની જરૂર છે.
42 સ્ક્વાડ્રન સામે હાલ માત્ર 30
વાયુસેના પ્રમુખે જણાવ્યું કે ભારતીય વાયુસેનામાં હાલમાં લગભગ 30 લડાકુ સ્ક્વાડ્રન (Fighter Squadrons) છે, જ્યારે સત્તાવાર મંજૂર સંખ્યા 42 સ્ક્વાડ્રનની છે. વિમાનોની અછતને કારણે આ સંખ્યા વધુ ઘટે નહીં તે માટે ઝડપથી નવા ફાઈટર જેટ સામેલ કરવા જરૂરી છે.
તેમણે કહ્યું કે દર વર્ષે લગભગ બે લડાકુ સ્ક્વાડ્રન જેટલા એટલે કે 36થી 40 વિમાનો વાયુસેનામાં સામેલ થવા જોઈએ. લાંબા ગાળે વાયુસેનાને 42 સ્ક્વાડ્રનના લક્ષ્ય સુધી પહોંચાડવાનું આયોજન છે.
તેજસ માર્ક-1Aની ડિલિવરીમાં વિલંબ
વાયુસેનાએ તેજસ માર્ક-1A (Tejas Mk-1A) પાસેથી મોટી અપેક્ષા રાખી છે. ફેબ્રુઆરી 2021માં રક્ષા મંત્રાલયે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે આશરે રૂ. 48,000 કરોડનો કરાર કર્યો હતો. આ કરાર હેઠળ 83 તેજસ માર્ક-1A વિમાન ખરીદવાના હતા.
આ વિમાનોની પ્રથમ ડિલિવરી માર્ચ 2024માં થવાની હતી, પરંતુ અત્યાર સુધી વાયુસેનાને એક પણ વિમાન મળ્યું નથી. વાયુસેના પ્રમુખે સ્પષ્ટ કહ્યું કે આ વિલંબ ચિંતાજનક છે.
97 નવા તેજસનો પણ કરાર
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સરકાર અને HAL વચ્ચે વધુ રૂ. 62,370 કરોડનો કરાર થયો હતો. તેના હેઠળ વાયુસેના માટે 97 તેજસ માર્ક-1A લડાકુ વિમાન ખરીદવામાં આવશે. વાયુસેના હવે આ વિમાનોની ડિલિવરીની રાહ જોઈ રહી છે.
114 રાફેલથી વધશે તાકાત
ભારતે 114 રાફેલ (Rafale) લડાકુ વિમાનો ખરીદવાની પ્રક્રિયા પણ આગળ વધારી છે. આ ડીલ સરકાર-થી-સરકાર (Government-to-Government) કરાર હેઠળ ફ્રાન્સ સાથે થવાની છે. એર ચીફે આશા વ્યક્ત કરી છે કે આ નાણાકીય વર્ષમાં એમએફઆરએ (MRFA) કરારને અંતિમ સ્વરૂપ મળી શકે છે.
ચીન-પાકિસ્તાન વચ્ચે પાંચમી પેઢીના લડાકુ વિમાનો અંગે વધતા સહયોગ વચ્ચે ભારત માટે તેજસ, રાફેલ અને ભવિષ્યના એડવાન્સ્ડ મિડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) કાર્યક્રમને ઝડપથી આગળ વધારવો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

