ડી-કંપની'નો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર નસીમ દુર્રાની બુલંદશહેરમાં એન્કાઉન્ટરમાં ઠાર!

ડી-કંપની'નો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર નસીમ દુર્રાની બુલંદશહેરમાં એન્કાઉન્ટરમાં ઠાર!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દિલ્હી પોલીસ અને નોઈડા STFની સંયુક્ત કાર્યવાહીમાં 'ડી-કંપની' સાથે જોડાયેલા કુખ્યાત ગેંગસ્ટર નસીમ દુર્રાની ઉર્ફે રિઝવાનને ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. બંને તરફથી થયેલા ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયેલા નસીમને હોસ્પિટલ ખસેડાયા બાદ ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.

ઈન્સ્ટાગ્રામ બાયોમાં જમાવતો હતો ખૌફ

જાહેરાત

37 વર્ષીય નસીમ દિલ્હીના ન્યૂ મુસ્તફાબાદના રાજીવ ગાંધી નગરનો રહેવાસી હતો અને સોશિયલ મીડિયા પર પોતાનો ખૌફ જમાવી રાખતો હતો. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું હતું- 'નામ- બદનામ, એડ્રેસ- તિહાડ જેલ, ઉંમર- જીવવાની, કામ- મારવાનું.'

સ્કૂટી સ્લિપ થઈ અને શરૂ થયો ગોળીબાર

પોલીસના જણાવ્યા અનુસાર, સતત ફરાર રહેતા નસીમની સિકંદરા બાયપાસ પાસે હિલચાલની માહિતી મળી હતી. CCTVમાં તે સ્કૂટી પર જતો દેખાયો હતો. જ્યારે દિલ્હી પોલીસ અને નોઈડા STFની ટીમે તેને પકડવા ઘેરો ઘાલ્યો, ત્યારે તે પાછળ ફરીને જોતો-જોતો સ્કૂટી પુરપાટ ઝડપે ભગાવી રહ્યો હતો. આ દરમિયાન તેની સ્કૂટી સ્લિપ થઈને પડી ગઈ અને તેણે પોતાની પાસે રહેલી .32 બોરની બે પિસ્તોલથી પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું. પોલીસે કરેલા વળતા પ્રહારમાં તેને અનેક ગોળીઓ વાગી હતી. ઘટનાસ્થળેથી તેની બંને પિસ્તોલ જપ્ત કરાઈ છે.

16 નવેમ્બરે મંત્રીની ઓફિસ બહાર કરી હતી હત્યા

એન્કાઉન્ટરમાં ઠાર થયેલા નસીમનો સૌથી તાજેતરનો ગુનો 16 નવેમ્બરનો હતો. તેણે દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાની ઓફિસની બહાર સમીર નામના વ્યક્તિ પર અંધાધૂંધ 15થી 16 ગોળીઓ ચલાવી તેની હત્યા કરી નાખી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત