બંગાળની ખાડીમાં વાવાઝોડાનો ખતરો: પવનની ઝડપ 185 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા, આંધ્ર-ઓડિશામાં રેડ એલર્ટ

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વધુ મજબૂત બનીને ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આ હવામાન પ્રણાલી શનિવારે ડિપ્રેશન, રવિવારે ડીપ ડિપ્રેશન અને સોમવારની સવાર સુધીમાં ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે. વાવાઝોડું ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધવાની સંભાવના છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને બંને રાજ્યોમાં વહીવટી તંત્રને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
185 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી
અમરાવતી હવામાન કેન્દ્રનાં વડા કે. નાગા રત્નાના જણાવ્યા અનુસાર, આ હવામાન પ્રણાલી 28 ઓક્ટોબરની આસપાસ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા નજીકથી પસાર થઈ શકે છે અને ત્યારબાદ ઓડિશા તરફ આગળ વધી શકે છે. આ વાવાઝોડું ગંભીર અથવા અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 145 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે 27 ઓક્ટોબરે પવનની ઝડપ 120થી 165 કિમી પ્રતિ કલાક અને અમુક સમયે 185 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે તેવી ચેતવણી આપવામાં આવી છે. દરિયામાં 1થી 2 મીટર ઊંચાં મોજાં ઉછળવાની પણ શક્યતા છે. જોકે, વાવાઝોડું ચોક્કસ કયા સ્થળે દરિયાકાંઠા પર ત્રાટકશે તે અંગે હજુ સ્પષ્ટતા નથી. વેસ્ટ ગોદાવરીથી શ્રીકાકુલમ જિલ્લાની વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારો સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં આવી શકે છે.
27 અને 28 ઓક્ટોબરે ભારે વરસાદનું રેડ એલર્ટ
વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આંધ્ર પ્રદેશના અનેક જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
-
27 ઓક્ટોબર: વિશાખાપટ્ટનમ અને અનાકાપલ્લી જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
-
28 ઓક્ટોબર: અલુરી સીતારામ રાજુ, અનાકાપલ્લી, કાકીનાડા, ઈસ્ટ ગોદાવરી, કોનાસીમા અને વેસ્ટ ગોદાવરી જિલ્લામાં રેડ એલર્ટ રહેશે.
-
ઓરેન્જ એલર્ટ: વિશાખાપટ્ટનમ ઉપરાંત શ્રીકાકુલમ, પાર્વતીપુરમ-માન્યમ, વિઝિયાનગરમ, એલુરુ અને કૃષ્ણા જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે ચેતવણી આપવામાં આવી છે.
ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, પૂર જેવી સ્થિતિ સર્જાવા અને વાહનવ્યવહાર ખોરવાવાની આશંકા છે. જોકે, વાસ્તવિક અસર વાવાઝોડાની તીવ્રતા અને તેની દિશા પર નિર્ભર રહેશે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગની ચેતવણી બાદ દરિયામાં ગયેલા માછીમારોને શનિવારની સવાર સુધીમાં કિનારે પાછા ફરવાની સૂચના આપવામાં આવી છે. 27 અને 28 ઓક્ટોબરે આંધ્ર પ્રદેશ તથા ઓડિશાના દરિયાકાંઠે દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે. આંધ્ર પ્રદેશ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (APSDMA)એ નાગરિકો અને ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ કરી છે. સંભવિત આપત્તિનો સામનો કરવા માટે જરૂરી તૈયારીઓ રાખવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા પણ જણાવાયું છે.
ઈમરજન્સી માટે હેલ્પલાઈન નંબર જાહેર
આપત્તિની સ્થિતિમાં નાગરિકોને મદદ મળી રહે તે માટે આંધ્ર પ્રદેશના સત્તામંડળે નીચેના હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે:
-
112
-
1070
-
18004250101
વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને હવામાન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.












