કોલકાતામાં ક્રૂરતા: લિવ-ઇન પાર્ટનરના બે કૂતરાની હત્યા કરી, વીડિયો મોકલી બદલો લીધો

પશ્ચિમ બંગાળના કોલકાતામાં પાલતુ પ્રાણીઓ સાથે ક્રૂરતાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લિવ-ઇન પાર્ટનર (Live-in Partner) ઘર છોડીને જતી રહેતાં એક યુવકે તેના બે પાલતુ કૂતરાની કથિત રીતે હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, તેણે કૂતરાઓની હત્યા કરતો વીડિયો મહિલાને મોકલીને પોતાની ક્રૂરતા દર્શાવી હતી. આ મામલે પોલીસે આરોપી સંજીબ ભટ્ટાચાર્યને અટકાયતમાં લીધો છે અને તેની પૂછપરછ શરૂ કરી છે.
મહિલા ઘર છોડીને જતાં આરોપીએ લીધો બદલો
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા અગાઉ ડીજે (DJ) તરીકે કામ કરતી હતી, પરંતુ તાજેતરમાં તેણે નોકરી છોડી દીધી હતી. મહિલા અને સંજીબ ભટ્ટાચાર્ય જાદવપુર વિસ્તારના બિક્રમગઢમાં એક ફ્લેટમાં સાથે રહેતાં હતાં. મહિલાએ ઘર છોડ્યું ત્યારે તેના બે કૂતરા અને કેટલીક બિલાડીઓ ઘરમાં જ રહી ગયાં હતાં. પ્રાથમિક માહિતી મુજબ, મહિલા પર આરોપીના થોડા લાખ રૂપિયા બાકી હોવાનું કહેવાય છે. આ બાબતને લઈને બંને વચ્ચે વિવાદ હોવાની પણ માહિતી સામે આવી છે. જોકે, પ્રાણીઓની હત્યા પાછળનો ચોક્કસ હેતુ તપાસ બાદ સ્પષ્ટ થશે.
વીડિયોમાં કૂતરાઓની હત્યાની કબૂલાતનો દાવો
બંગાળી અભિનેત્રી અને પ્રાણી અધિકાર કાર્યકર દેબોલીના દત્તા ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે મીડિયાને જણાવ્યું કે આરોપીએ એક વીડિયોમાં પોતાની ઓળખ આપીને કૂતરાઓને મારવાની વાત કરી હતી. વીડિયોમાં તેણે એક કૂતરાનું ગળું દબાવીને અને બીજા નાનકડા ગલૂડિયાનું માથું જમીન પર પછાડીને હત્યા કરી હોવાનો દાવો કર્યો હતો. મહિલાએ આ વીડિયો જોયા બાદ સ્થાનિક પાડોશીઓને જાણ કરી હતી. પાડોશીઓએ પોલીસને જાણ કરતાં જાદવપુર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને કૂતરાના મૃતદેહ કબજામાં લીધા હતા અને આરોપીને પૂછપરછ માટે અટકાયતમાં લીધો હતો.
ત્રીજા પાલતુ પ્રાણીને પણ નુકસાન પહોંચાડવાની તૈયારી?
સ્થાનિક રહેવાસીના જણાવ્યા અનુસાર, પોલીસ પહોંચે તે પહેલાં આરોપી ઇલેક્ટ્રિક હીટરની મદદથી પાણી ગરમ કરી રહ્યો હતો. આ પાણી ત્રીજા પાલતુ પ્રાણી પર રેડવાની તેની તૈયારી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, પોલીસ સમયસર પહોંચી જતાં ત્રીજા પ્રાણીને નુકસાન પહોંચે તે પહેલાં કાર્યવાહી થઈ હતી.
પોલીસે તપાસ શરૂ કરી
અભિનેત્રી દેબોલીના દત્તાના જણાવ્યા અનુસાર, આરોપીએ આ કૃત્ય બદલો લેવા માટે કર્યું હોવાનું વીડિયોમાં જણાવ્યું હતું. હાલ પોલીસે સંજીબ ભટ્ટાચાર્યને અટકાયતમાં રાખીને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.










