રજવાડાના એકીકરણમાં રહી હતી CRPF મહત્ત્વની ભૂમિકા, જાણો રોચક ઈતિહાસ
CRPF Foundation Day : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ-CRPFના 86માં સ

CRPF Foundation Day : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ-CRPFના 86માં સ્થાપના દિવસ નિમિતે CRPFને શુભકામનાઓ પાઠવી છે. વડાપ્રધાને દેશની સુરક્ષામાં CRPFની ભૂમિકાને સર્વોપરી ગણાવી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, CRPFના સ્થાપના દિવસની તમને સૌને મારી શુભકામનાઓ. રાષ્ટ્ર પ્રત્યે અતૂટ સમર્પણ અને તેમની અથાક સેવા ખરેખર પ્રશંસનીય છે. તેઓ હંમેશા હિંમત અને પ્રતિબદ્ધતાના ઉચ્ચતમ ધોરણો માટે ઊભા રહ્યા છે. આપણા દેશને સુરક્ષિત રાખવામાં પણ તેમની ભૂમિકા સર્વોપરી છે.
ગૃહમંત્રી અમિત શાહે પાઠવી શુભકામનાઓ
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, CRPFના જવાનો અને તેમના પરિવારના સભ્યોને દળના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ. CRPFએ તેની શરૂઆતથી જ રાષ્ટ્રીય સુરક્ષાને તેના મિશન તરીકે લીધી છે. દળના બહાદુર સૈનિકોએ તેમના જીવની પરવા કર્યા વિના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તેમની તમામ શક્તિ લગાવી દીધી અને દરેક વખતે વિજયી બન્યા. હું CRPFના એ શહીદોને સલામ કરું છું કે જેમણે ફરજ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.
દેશી રજવાડાઓને ભારતમાં સામેલ કરવામાં મહત્ત્વની ભૂમિકા
CRPFની સ્થાપના આઝાદી પહેલા સન 1939માં અંગ્રેજો દ્વારા કરાઈ હતી. ત્યારે આ દળનું નામ ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ હતું. આઝાદી બાદ 28 સપ્ટેમ્બર, 1949ના દિવસે સંસદ દ્વારા એક અધિનિયમ દ્વારા આ દળનું નામ બદલીને સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ રાખવામાં આવ્યું હતું. CRPFને આઝાદી બાદ દેશી રજવાડાઓને ભારતીય સરકારના શાસન હેઠળ લાવવાની જવાબદારી આપવામાં આવી હતી.
CRPFએ જૂનાગઢ, હૈદરાબાદ, કાઠિયાવાડ અને કાશ્મીર જેવા રજવાડાઓને ભારતમાં સામેલ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ રજવાડાઓએ ભારતમાં જોડાવાની ના પાડી દીધી હતી. આ ઉપરાંત, રાજસ્થાન, કચ્છ અને સિંધ સરહદોમાં ઘૂસણખોરી રોકવામાં પણ CRPFએ મોટી ભૂમિકા ભજવી હતી.
ચીન અને પાકિસ્તાન સામેના યુદ્ધમાં આપ્યું સર્વોચ્ચ બલિદાન
CRPFએ 21 ઓક્ટોબર, 1959ના રોજ ચીનના હુમલાને નિષ્ફળ બનાવીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આ બલિદાનની યાદમાં દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે. 1962 માં ચીની આક્રમણ દરમિયાન અરુણાચલ પ્રદેશમાં CRPFએ ભારતીય સેનાને મહત્વપૂર્ણ સહાય પૂરી પાડી હતી જેમાં દળના 8 સૈનિકો શહીદ થયા હતા. આ સિવાય 1965 અને 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં CRPFએ પાકિસ્તાન સામે ભારતીય સેના સાથે ખભે ખભા મિલાવીને લડ્યા હતા.
1970ના દાયકામાં ત્રિપુરા અને મણીપુરમાં ઉગ્રવાદ સામે ઘણાં વર્ષો સુધી લડીને CRPFએ ઉગ્રવાદીઓને સમાપ્ત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય 13 ડિસેમ્બર, 2001ના દિવસે ભારતીય સંસદ પર થયેલા આંતકવાદી હૂમલાને CRPFના જવાનોએ નિષ્ફળ કર્યો હતો. આ હુમલામાં બહાદુરીપૂર્વક લડતા CRPFના જવાનોએ 5 આંતકવાદીઓને ઠાર કર્યા હતા.








