'PM મોદીને મારી સાથે ખુલ્લી ચર્ચા માટે મનાવી લો, ડરશો નહીં': રાહુલ ગાંધીનો અમિત શાહ પર કટાક્ષ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો શેર કરીને રાહુલ ગાંધીએ અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની સાથે ખુલ્લી ચર્ચા માટે તૈયાર કરવાનું કહ્યું હતું. તેમણે કટાક્ષ કરતાં લખ્યું કે, 'અમિત શાહજી, PM મોદીને મૂંઝવણમાં ન નાખો. બસ તેમને મારી સાથે ખુલ્લી ચર્ચા માટે મનાવી લો. કોઈપણ મંચ, કોઈપણ સમય. ડરશો નહીં.'
SIR મુદ્દે અમિત શાહનાં નિવેદનો પર સવાલ
રાહુલ ગાંધીએ શેર કરેલા વીડિયોમાં અમિત શાહનાં બે અલગ-અલગ નિવેદનો દર્શાવવામાં આવ્યા છે. વીડિયોના દાવા મુજબ, 10 ડિસેમ્બર 2025ના રોજ લોકસભામાં અમિત શાહે કહ્યું હતું કે SIRના મુદ્દે ગૃહમાં ચર્ચા થઈ શકે નહીં. જ્યારે ગત 5 નવેમ્બરે તેમણે કહ્યું હતું કે સરકાર SIR પર ચર્ચા કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવા તૈયાર છે. આ બંને નિવેદનોને લઈને રાહુલ ગાંધીએ સવાલો ઉઠાવ્યા છે.
અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યા હતા પ્રહાર
બીજી તરફ, અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. હરિયાણાના કરનાલમાં ભાજપની 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રાનું નેતૃત્વ કર્યા બાદ રેલીને સંબોધતાં તેમણે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ સંસદમાં હોબાળો કરવો કોંગ્રેસની કાર્યશૈલી બનાવી દીધી છે.
અમિત શાહે કહ્યું હતું કે લોકશાહીમાં સંસદ ચર્ચા માટેનું સર્વોચ્ચ મંચ છે, પરંતુ રાહુલ ગાંધી સંસદ ચાલવા દેતા નથી અને મુદ્દાઓ પર ચર્ચા કરતા નથી. તેમણે કોંગ્રેસ પર હોબાળો અને બહિષ્કારને રાજકીય સંસ્કૃતિ બનાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.











