મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પાણી માટે વિવાદ: ગાઝિયાબાદ બાદ દિલ્હીમાં પાણીને લઇ બે લોકોની હત્યા 

દુનિયા ભરમાં ભીષણ ગરમી પડી રહી છે. ત્યારે ઉત્તર ભારતના અનેક રાજ્યો

પાણી માટે વિવાદ: ગાઝિયાબાદ બાદ દિલ્હીમાં પાણીને લઇ બે લોકોની હત્યા 

દુનિયા ભરમાં ભીષણ ગરમી પડી રહી છે.  ત્યારે ઉત્તર ભારતના અનેક રાજ્યો પણ ભારે ગરમી અને લૂ નો સામનો કરી રહ્યા છે. સાથે પાણીની સમસ્યા પણ સર્જાઈ છે. પાણીને લઇ ગાઝિયાબાદમાં ગોળીબારમાં  થયા બાદ હવે દિલ્હીમાં પણ આવી જ ઘટના  બની છે. શુક્રવારે મોડી રાત્રે દિલ્હીના અશોક વિહારના જેલર વાલા બાગ વિસ્તારમાં સ્વિમિંગ પૂલમાં નહાવાને લઈને થયેલા વિવાદમાં એક સગીર સહિત બે લોકોની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યા સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધી છ યુવકોની પૂછપરછ માટે અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લગભગ એક અઠવાડિયા પહેલા સ્વિમિંગ પુલમાં થયેલી લડાઈને લઈને બંને પક્ષો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. મૃતકોમાં 17 વર્ષીય વિપુલ અને 18 વર્ષીય વિશાલનો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, 17 વર્ષીય વિપુલ ઉર્ફે સાહિલ વજીરપુરના ચંદ્રશેખર આઝાદ જેજે કોલોનીના સી બ્લોકની શેરી નંબર 6માં તેના પરિવાર સાથે રહેતો હતો. તેનો પરિવાર મૂળ યુપીના આઝમગઢનો છે. વિપુલના પિતા રાજારામે જણાવ્યું કે વિપુલે નવમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. એક મહિના પહેલા સુધી તે ફેક્ટરીમાં કામ કરતો હતો, પરંતુ થોડા દિવસોથી કામ કરતો નહોતો. શુક્રવારે રાત્રે ઘરના તમામ સભ્યો સુઈ ગયા હતા. દરમિયાન પાડોશી વિશાલ તેને બોલાવીને લઈ ગયો હતો. સવારે લગભગ 3 વાગ્યે પાડોશીએ જણાવ્યું કે વિપુલને કોઈએ છરી મારી છે. આ સાંભળીને પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ.

બીજી તરફ પડોશમાં રહેતા 18 વર્ષીય વિશાલના ઘરમાં શોકનો માહોલ છે. તેનો પરિવાર મૂળ યુપીના મૌ જિલ્લાનો છે. તે ડી બ્લોકમાં પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પિતા અશોક કુમાર, માતા મુન્ની દેવી અને મોટા ભાઈ બિટ્ટુનો સમાવેશ થાય છે. અશોકે જણાવ્યું કે વિશાલ એક ફેક્ટરીમાં કામ કરતો હતો. મોટા ભાઈ બિટ્ટુએ જણાવ્યું કે, રાત્રે લગભગ 10 વાગે વિશાલને જમવાનું અને સૂવાનું કહીને બધા ટેરેસ પર ગયા હતા. દરમિયાન રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે વિશાલને કોઈનો ફોન આવ્યો હતો, જે બાદ તે ઘરેથી નીકળી ગયો હતો. આ પછી વિશાલ અને વિપુલની કેનાલથી 500 મીટર દૂર સાંકડી ગલીમાં હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

લોહિયાળ અથડામણ થઈ હતી

શુક્રવારે રાત્રે વિપુલ અને વિશાલ તેમના બે-ત્રણ મિત્રો સાથે સામા પક્ષના બે ભાઈ અનુજ અને સૂરજના ઘરે હુમલો કરવા ગયા હતા. સૂરજે તેના મિત્રોને પણ બોલાવ્યા હતા. બંને પક્ષો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. જેમાં વિપુલ અને વિશાલ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પરિવારજનોએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ વેચવાના વિરોધમાં ઝઘડો થયો હતો.

વિશાલના ભાઈ બિટ્ટુનો આરોપ છે કે આ વિસ્તારમાં મોટા પાયે સ્મેક અને ગાંજાનું વેચાણ કરીને ગેરકાયદે ધંધો ચાલી રહ્યો છે. જેમાં વિસ્તારના કેટલાક લોકોનો પણ સમાવેશ થાય છે. તેઓ સગીરો દ્વારા આ ગેરકાયદે ધંધો ચલાવે છે. વિશાલે ઘરની સામે ડ્રગ્સના ખરીદ-વેચાણમાં અડચણ ઉભી કરી હતી, જેના કારણે ઝઘડો થયો હતો. આ કારણસર આરોપીએ હત્યાને અંજામ આપ્યો હતો. બંનેને રૂમમાં બંધક બનાવીને માર માર્યો હતો.

પાણી સપ્લાયને લઈ ગોળીઓ ચલાવી 

તે જ સમયે, દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં, 21 જૂનની રાત્રે, પાણીને લઈને બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ચાર લોકો ઘાયલ થયા છે. બંને પક્ષોએ એકબીજા પર ગોળીબાર કર્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી ત્રણ લોકોની ધરપકડ કરી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રાજેશ દેવે જણાવ્યું કે 46 વર્ષીય અદીબ તેના પરિવાર સાથે હાજી કોલોનીમાં રહે છે. અદીબનો હાજી કોલોનીમાં જ આરઓ પ્લાન્ટ છે. તે જામિયા કોલોનીમાં પાણી સપ્લાય કરે છે, જ્યારે થોડા દિવસો પહેલા હાજી કોલોનીમાં રહેતા આલમે પણ આરઓ પ્લાન્ટ ખોલ્યો છે. આલમ પણ જામિયા વિસ્તારમાં પાણી સપ્લાય કરે છે. 21મી જૂને રાત્રે 9 વાગ્યાના સુમારે અદીબ અને આલમ વચ્ચે મારામારી થઈ હતી. લડાઈ દરમિયાન બંનેના પરિવારજનો પણ આવ્યા હતા. બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. લડાઈ દરમિયાન અદીબ અને આલમે ગોળીબાર શરૂ કર્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે બંને તરફથી લગભગ 13 રાઉન્ડ ફાયરિંગ થયું હતું.

આ સમાચાર શેર કરો