VIDEO: NEETમાં ગેરરીતિ મામલે યુપીમાં કોંગ્રેસનો જબરદસ્ત દેખાવો, પોલીસ સાથે થયું ઘર્ષણ
મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET-UG (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)માં ગોટાળા સામે કોંગ્રેસે લખનઉ

મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET-UG (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)માં ગોટાળા સામે કોંગ્રેસે લખનઉમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અજય રાયની પોલીસે અટકાયત કરી લીધી છે. અજય રાય એ જ વ્યક્તિ છે જેમણે લોકસભા ચૂંટણી વડાપ્રધાન મોદીની સામે લડી હતી અને તેમને જંગી લીડ મેળવતા રોક્યા અને જીત મેળવતા હંફાવ્યા હતા. અજય રાયના નેતૃત્વમાં અધિકારીઓ અને કાર્યકર્તાઓ પાર્ટી હેડક્વાર્ટરથી કૂચ કરીને વિધાનસભા ભવનનો ઘેરાવ કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અજય અને અન્ય કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.
અજયરાયે આરોપ લગાવ્યો છે કે પરીક્ષામાં ટેકનિકલ ગરબડ થઈ છે. ભાજપ શાસિત રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત અને હરિયાણામાં નીટની પરીક્ષામાં ગરબડ કરનારા કેટલાય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેનાથી સમગ્ર પરીક્ષા સિસ્ટમ જ આશંકામાં ઘેરાઈ છે. ભાજપ શાસિત રાજ્યોમાં યુવાઓના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે. પરીક્ષામાં પેપરલીકની ઘટનાઓ સતત બનતી રહે છે.
શિક્ષણમંત્રીના પૂતળાને આગચાંપી
અવારનવાર પેપર લીક થવાની ઘટનાઓ વધી રહી છે. નીટની પરીક્ષામાં ગેરરીતિ અંગે કાનપુરમાં પણ કોંગ્રેસના કાર્યકરો તથા પદાધિકારીઓ કલેક્ટરના કાર્યાલયની સામે એકઠા થયા હતા અને તેમણે દેખાવો કર્યા હતા. બીજી બાજુ જિલ્લાધિકારીના કાર્યાલયની સામે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પૂતળાને આગ ચાંપી હતી.
ભાજપનો ભ્રષ્ટાચાર દેશને નબળો કરી રહ્યો છે : પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના ધરખમ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વિટ મારફતે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે દેશમાં છેલ્લાં 5 વર્ષોમાં 43 ભરતી પરીક્ષાના પેપર લીક થયા. ભાજપ રાજમાં પેપર લીક આપણા દેશ માટે રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે જેણે અત્યાર સુધી કરોડો યુવાઓનું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું છે. ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે. સૌથી વધુ યુવા વસતી આપણી પાસે છે. ભાજપની સરકાર આપણા આ યુવાઓને કુશળ અને સક્ષમ બનાવવાની જગ્યાએ તેમને નબળાં બનાવી રહી છે. ભાજપનો ભ્રષ્ટાચાર દેશને નબળો કરી રહ્યો છે.






