'ભાજપના કેટલાક ધારાસભ્ય મારા સંપર્કમાં',શિંદે સાથે તુલના કરાતા ભડક્યા કોંગ્રેસના નેતા ડીકે શિવકુમાર
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કોંગ્રેસ સરકારમાં વિભાજનની અફવાઓને ફગાવી છ

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કોંગ્રેસ સરકારમાં વિભાજનની અફવાઓને ફગાવી છે. કોંગ્રેસના નેતાએ આ સાથે જ દાવો કર્યો કે ભાજપના કેટલાક ધારાસભ્ય તેમના સંપર્કમાં છે. ડીકે શિવકુમારે ભાજપને સલાહ આપી કે ભાજપે પહેલા પોતાની પાર્ટીમાં વ્યવસ્થિત કામ કરવું જોઇએ.
ભાજપના ધારાસભ્ય અમારા સંપર્કમાં- ડીકે શિવકુમાર
ડીકે શિવકુમારે કહ્યું,'ભાજપે પહેલા પોતાનું ઘર સાચવવું જોઇએ. જેમ કે મારા કેટલાક મંત્રીઓએ કહ્યું છે કે કેટલાક ભાજપના ધારાસભ્ય અમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. મારા મંત્રીએ આ પહેલા જ કહી દીધુ છે. હું આ મામલે વધુ ચર્ચા કરવા માંગતો નથી. ભાજપ તૂટેલા ઘર જેવી છે જ્યારે કોંગ્રેસ એકજૂટ છે.'
કર્ણાટકમાં આંતરિક વિવાદ કેમ ઉભો થયો?
કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા 26 ફેબ્રુઆરીએ શિવરાત્રિ ઉત્સવ દરમિયાન ધર્મગુરૂ જગ્ગી વાસુદેવ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સ્ટેજ શેર કરતા વિવાદ ઉભો થયો હતો. કોંગ્રેસના કેટલાક નેતાઓએ તેના પર સવાલ ઉઠાવ્યા હતા. તે બાદ પાર્ટીમાં આંતરિક વિવાદની અફવા ફેલાઇ હતી. વિપક્ષી ભાજપે દાવો કર્યો કે શિવકુમાર કોંગ્રેસ છોડી શકે છે અને ભાજપની મદદથી વેકલ્પિક સરકાર બનાવી શકે છે.
જોકે, શિવકુમારે પોતાના આ નિર્ણયને ધાર્મિક યાત્રા ગણાવતા રાજકીય ના હોવાની વાત કરી હતી. સદગુરૂ કર્ણાટકના છે અને તે કાવેરી જળ મુદ્દા પર સંઘર્ષ કરી રહ્યાં છે, તેમને મને વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રી પદને લઇને ટકરાવ
કર્ણાટકમાં કોંગ્રેસના સત્તામાં પરત ફર્યા બાદ નાયબ મુખ્યમંત્રી બનેલા ડીકે શિવકુમારે વારંવાર દિલ્હીમાં પાર્ટીના નેતાઓ પાસે આ માંગ કરી છે કે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે. વિધાનસભા ચૂંટણી બાદ એક શક્તિ-વિભાજન સમજૂતિ થઇ હતી. જોકે, સિદ્ધારમૈયા જૂથે આ સમજૂતિને ફગાવતા દાવો કર્યો કે તે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. મુખ્યમંત્રીના ડઝનેક મંત્રીઓએ ગત અઠવાડિયે શિવકુમારના દાવા પર ખુલીને સવાલ ઉઠાવ્યા હતા.
શિવકુમારની એકનાથ શિંદે સાથે તુલના કરાઇ હતી
કર્ણાટક ભાજપે શિવકુમારને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે તુલના કરતા એવી અટકળો લાગી હતી કે તે કોંગ્રેસમાં વિભાજન ઉભો કરી શકે છે. વિપક્ષના નેતા આર અશોકે કહ્યું, 'કોંગ્રેસમાં કેટલાક નેતા એકનાથ શિંદે જેવા બની શકે છે. ડીકે શિવકુમાર તેમાંથી એક હોઇ શકે છે.'








