મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: 'પહેલાં ભાજપ કાર્યકરે અભદ્ર ભાષા વાપરી', ખડગેના નિવેદન પર કોંગ્રેસનો જવાબ

સોર્સ: gstv

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે આપવામાં આવેલા નિવેદન પર શરૂ થયેલા રાજકીય ઘમસાણ વચ્ચે હવે કોંગ્રેસ પક્ષ તરફથી વળતો પ્રહાર અને સ્પષ્ટતા સામે આવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા પવન ખેરાએ આ સમગ્ર વિવાદ પર ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર ગંભીર આક્ષેપો કરતાં ખડગેના નિવેદનનો સંદર્ભ સ્પષ્ટ કર્યો છે.

ભાજપ કાર્યકરે અસભ્ય ભાષા બોલતા ખડગે ભડક્યા

પવન ખેરાએ જણાવ્યું હતું કે, ‘પહેલા ઉત્તરાખંડમાં ખડગેજીના ભાષણ પછી ભારતીય જનતા પાર્ટી અને સંઘ દ્વારા મંચનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. હવે બિહારમાં જ્યારે ખડગેજી સંબોધન કરી રહ્યા હતા, ત્યારે હોલમાં હાજર એક ભાજપ કાર્યકરે ઊભા થઈને અત્યંત અસભ્ય ભાષામાં કહ્યું કે, તેમનો બાપ પણ આવે તોય મોદી નહીં હારે. આ અશોભનીય વર્તનના જવાબમાં ખડગેજીએ જડબાતોડ પ્રતિક્રિયા આપી હતી કે, મોદી પણ જશે અને તેમના વૈચારિક પિતા RSSના મોહન ભાગવત પણ જશે.’

ખડગે સાથે ગેરવર્તનથી દેશનો દરેક નાગરિક આહત : કોંગ્રેસ પ્રવક્તા

તેમણે ઉમેર્યું હતું કે દેશ હવે RSS અને ભાજપથી મુક્તિ મેળવવા માટે તૈયાર છે. આ સાથે ખેરાએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે દેશના એક રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે વારંવાર થઈ રહેલા આવા ગેરવર્તનથી દેશનો દરેક નાગરિક આહત થયો છે.

ભાજપ-NDA નેતાઓએ સાધ્યું હતું નિશાન

ઉલ્લેખનીય છે કે, આ નિવેદન સામે આવ્યા બાદ ભાજપ અને NDA ગઠબંધનના નેતાઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્વર્ગસ્થ વ્યક્તિઓના સન્માનની સંસ્કૃતિ યાદ અપાવી કોંગ્રેસ પાસેથી જવાબ માંગ્યો હતો, જ્યારે સંબિત પાત્રાએ તેને રાહુલ ગાંધીની ભાષા ગણાવી હતી. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, જેડીયુ પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદ તેમજ નીતિન નવીન અને વિરેન્દ્ર સચદેવા જેવા નેતાઓએ પણ ખડગેની ભાષાને મર્યાદાહીન ગણાવી આકરો વિરોધ નોંધાવ્યો હતો.

શું હતું મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન?

બિહારના પટનામાં ડૉ. શ્રી કૃષ્ણ સિંહની 139મી જયંતી નિમિત્તે આયોજિત સભામાં મલ્લિકાર્જુન ખડગે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યા હતા. તે દરમિયાન સભાગૃહમાંથી એક યુવકે ઊભા થઈને વિરોધ કરતા ‘મોદી ક્યાંય નહીં જાય’ તેવી બૂમ પાડી હતી. જેના વળતા જવાબમાં ખડગેએ મંચ પરથી ‘મોદી કા બાપ ભી જાયેગા’ ટિપ્પણી કરી હતી, જેને પગલે સભામાં હોબાળો મચ્યો હતો અને દેશભરમાં રાજકીય વિવાદ સર્જાયો હતો.

આ સમાચાર શેર કરો