કોંગ્રેસની સરકાર ઉથલાવવા કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ ઉપજાવી કઢાયું હતું, 14 વર્ષ પછી સુરેશ કલમાડીને ક્લીનચિટ
વર્ષ 2010 બાદ સમગ્ર દેશમાં કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડની ભારે ચર્ચા હતી, આ મુદ્દે અન્ના હજારે, અર

વર્ષ 2010 બાદ સમગ્ર દેશમાં કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડની ભારે ચર્ચા હતી, આ મુદ્દે અન્ના હજારે, અરવિંદ કેજરીવાલ અને ભાજપ દ્વારા મોટાપાયે આંદોલનો કરાયા હતા.જોકે અંતે ખોદ્યો પહાડ અને નિકળ્યો ઉંદર જેવો ઘાટ સર્જાયો છે. કેમ કે આ મામલે મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી એજન્સી EDએ દિલ્હીની કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો અને કેસ બંધ કરવા કહ્યું હતું. કોર્ટે તેને સ્વીકારી લીધો છે અને કેસ બંધ કરી દીધો છે. આ એ જ કહેવાતું કૌભાંડ હતું જેને પગલે દિલ્હીમાં શિલા દિક્ષિતની કોંગ્રેસ સરકારે સત્તા ગુમાવવી પડી હતી. જોકે, 13 વર્ષે કોઇ કૌભાંડ થયું જ ન હોવાનું સામે આવ્યું છે.
દિલ્હીમાં 2010માં કોમનવેલ્થ ગેમ્સ યોજાઇ હતી
દિલ્હીમાં વર્ષ 2010માં કોમનવેલ્થ ગેમ્સ યોજાઇ હતી જેમાં અનેક દેશોએ ભાગ લીધો હતો. આ કોમનવેલ્થ ગેમ્સમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો થયા હતા. ગેમ્સનું આયોજન કરનારી ઓર્ગેનાઇઝિંગ કમિટીના તત્કાલીન ચેરમેન સુરેશ કલમાડી, તત્કાલીન સેક્રેટરી જનરલ લલીત ભનોટ સહિત અનેક સામે CBI બાદ EDએ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી.
આ કૌભાંડની દેશભરમાં ભારે ચર્ચા થઇ હતી અને અન્ના હજારે, અરવિંદ કેજરીવાલ તેમજ ભાજપના નેતાઓ દ્વારા તત્કાલીન કોંગ્રેસ સરકાર સામે મોટાપાયે આંદોલન થયું હતું. ભ્રષ્ટાચારના આરોપોને પગલે કોંગ્રેસે દિલ્હી તેમજ બાદમાં કેન્દ્રમાં સત્તા ગુમાવવી પડી હતી.
કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડને કારણે કોંગ્રેસે પહેલા દિલ્હી અને બાદમાં દેશમાં સત્તા ગુમાવી
દિલ્હીમાં 15 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન ચલાવનારા શિલા દિક્ષિતની સરકારે વર્ષ 2013માં સત્તા ગુમાવી હતી. વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીના પ્રચારમાં પણ કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો.
હવે EDએ આ કૌભાંડની ચર્ચાના 13 વર્ષ બાદ દિલ્હીની કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો અને કેસની તપાસ બંધ કરવાની મંજૂરી માગી હતી. અંતે દિલ્હીની કોર્ટે આ ક્લોઝર રિપોર્ટનો સ્વીકાર કર્યો હતો અને કેસ બંધ કરી દીધો હતો.
દિલ્હીની કોર્ટના વિશેષ જજ સંજીવ અગરવાલે નોંધ્યું હતું કે ભ્રષ્ટાચારના મામલામાં CBI અગાઉ જ કેસ બંધ કરી ચુકી છે, EDએ CBIની કાર્યવાહીને ધ્યાનમાં રાખીને મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. જોકે, હવે EDએ કહ્યું છે કે તેની આ સમય દરમિયાનની સમગ્ર તપાસમાં મની લોન્ડરિંગનો ગુનો થયો હોવાનું સામે નથી આવ્યું. તપાસ એજન્સી આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહી છે અને ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે જેનો સ્વીકાર કરવામાં આવે છે.
કોંગ્રેસની માફીની માગ
દિલ્હીની કોર્ટે EDનો કેસ બંધ કરવાનો રિપોર્ટ સ્વીકારતા હવે કોંગ્રેસે ભાજપ, AAPના નેતા અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલે દેશના નાગરિકો અને કોંગ્રેસ સમક્ષ માફી માગવી જોઇએ.
વર્ષ 2014 પહેલા કોંગ્રેસની સરકારને બદનામ કરવા માટે ભાજપ અને અરવિંદ કેજરીવાલ દ્વારા ટુ-જી,કોમનવેલ્થ ગેમ્સ જેવા કૌભાંડોને ઉપજાવી કાઢવામાં આવ્યા હતા. દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી શિલા દિક્ષિત અને તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ જેવા પ્રામાણિક નેતાઓ પર જૂઠા આરોપો લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું હતું કે ભાજપનું રાજકારણ જુઠ્ઠાણા પર ટકેલું છે.








