VIDEO: કોંગ્રેસ કાર્યકર્તાઓએ પોલીસ પર ફેંકી ખુરશીઓ, લાઠીચાર્જ બાદ હિંસામાં ફેરવાયો ભુવનેશ્વરનો વિરોધ
ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ગુરુવારે (27 માર્ચ) કોંગ્રેસના વિરોધ પ્રદર્શને હિંસક વળાંક લીધો. મ
ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ગુરુવારે (27 માર્ચ) કોંગ્રેસના વિરોધ પ્રદર્શને હિંસક વળાંક લીધો. મહિલાઓ પરના અત્યાચાર અંગે તપાસ સમિતિ બનાવવાની માંગ અને કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવા બાબતે આ વિરોધ અચાનક ઝઘડામાં બદલાઈ ગયો. કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.
કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચેની બબાલનો આ વિડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. આમાં જોઈ શકાય છે કે કોંગ્રેસના કાર્યકરો એક પછી એક રસ્તા પર પડેલી ખુરશીઓ ઉપાડીને પોલીસકર્મીઓ પર ફેંકી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરો આક્રમક બનતા પોલીસ પાછળ હટી ગઈ હતી. આ પછી પોલીસ લાઠીચાર્જ કરીને કોંગ્રેસ કાર્યકર્તાઓને ખદેડી મૂક્યા.
પહેલા પોલીસે કોંગ્રેસના કાર્યકરોને વિખેરવા માટે પાણીમારો કર્યો. થોડીવાર પછી પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી. આમાં કેટલાક કોંગ્રેસ કાર્યકરો ઘાયલ થયાના પણ સમાચાર છે. જોકે, કોંગ્રેસે ઓડિશા વિધાનસભાને ઘેરી લીધી છે. અહીં પણ મોટી સંખ્યામાં પોલીસ દળ પણ તૈનાત છે. ઓડિશા વિધાનસભા એક કિલ્લામાં ફેરવાઈ ગઈ છે.
શું છે આખો મામલો?
ઓડિશા વિધાનસભામાં મંગળવારે ભારે હોબાળો થયો. કોંગ્રેસના ધારાસભ્યો ભાજપ સરકારના આઠ મહિના દરમિયાન મહિલાઓ વિરુદ્ધ થયેલા ગુનાઓની તપાસ માટે એક સમિતિની રચનાની માંગ કરી રહ્યા હતા. જ્યારે તેમની માંગણીઓ સાંભળવામાં ન આવી તો ધારાસભ્યોએ તીવ્ર વિરોધ દર્શાવ્યો. તેમણે ગૃહમાં ઘંટડી વગાડી 'રામ ધૂન' ગાવાનું શરૂ કર્યું. કોંગ્રેસના ધારાસભ્યો વાંસળી અને ઝાંઝ વગાડીને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડતા જોવા મળ્યા. આવી સ્થિતિમાં સ્પીકરે કોંગ્રેસના 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા.
સસ્પેન્ડ કરાયેલા તમામ ૧૨ ધારાસભ્યોએ મંગળવારની આખી રાત વિધાનસભામાં વિતાવી. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો વિધાનસભાની બહાર ધરણા પર બેઠા હતા. બુધવારે આ મામલો વધુ ગરમાયો. સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના સાંસદોને બળપ્રયોગ કરીને વિધાનસભાની બહાર કાઢી મૂકવામાં આવ્યા. આ સમય દરમિયાન, વિધાનસભાની અંદરથી વધુ બે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. જેથી કોંગ્રેસે વિધાનસભાનો ઘેરાવ કરવાની જાહેરાત કરી. ગુરુવારે, મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઓડિશા વિધાનસભાને ઘેરવા પહોંચ્યા હતા. હાલમાં આ વિરોધ પ્રદર્શન અટકે તેવું લાગતું નથી.








