મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

નદીમાં નાહવા પડેલા એક જ પરિવારના સાત બાળકો ડૂબ્યા, પાંચના મૃતદેહ મળ્યા

બિહારમાં તુમ્બા ગામની નદીમાં એક જ પરિવારના સાત બાળકો નાહવા પડ્યા હતા. જેમાંથી પાંચના મૃતદેહો મળી આવ્યા છ

નદીમાં નાહવા પડેલા એક જ પરિવારના સાત બાળકો ડૂબ્યા, પાંચના મૃતદેહ મળ્યા

બિહારમાં તુમ્બા ગામની નદીમાં એક જ પરિવારના સાત બાળકો નાહવા પડ્યા હતા. જેમાંથી પાંચના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે. આ દુર્ઘટનાના પગલે સમગ્ર ગામમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે રવિવાર સવારે કૃષ્ણ ગોંડના ચાર બાળકો અને તેની બહેનની પુત્રી સહિત સાત બાળકો નાહવા માટે સોન નદીમાં ગયા હતા. નાહતી વખતે અચાનક બધા બાળકો ઊંડા પાણીમાં જતાં રહેતાં ડૂબવા લાગ્યા હતાં. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાંચ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા, પરંતુ બે બાળકો હજુ પણ ગુમ છે.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, "અમે સોન નદીમાં નાહવા ગયા હતા. નાહતી વખતે એક બાળક ડૂબવા લાગ્યું. તેને બચાવવા અમે બધાએ પાણીમાં ઝંપ્લાવ્યું હતું. પરંતુ અમે પણ ડૂબવા લાગ્યા હતાં, કોઈ રીતે અમે બચીને બહાર આવ્યા, પરંતુ પાંચ બાળકોને બચાવી શક્યા ન હતા." 

તમામ બાળકો 8થી 12 વર્ષના

અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રોહતાસ પોલીસ સ્ટેશનના વડાએ જણાવ્યું કે, માહિતી મળતાં જ તેઓ તરત જ ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા અને પાંચ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતાં. એસડીઆરએફની ટીમ બે બાળકોને શોધી રહી છે. તેમણે કહ્યું, "તમામ બાળકોની ઉંમર 8-12 વર્ષની વચ્ચે હતી. બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાસારામ સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે."

આ સમાચાર શેર કરો